OBC પર ગરમાયું રાજકારણ, ગૃહ મંત્રી અમિત શાહના આક્ષેપ સામે કોંગ્રેસના સવાલ
ગુજરાતમાં સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. એવામાં OBCનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં જ રહેશે. રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલી વાંધાજનક ટિપ્પણીને ભાજપે OBC સમુદાયના અપમાન સાથે સાંકળી હતી.
Trending Photos
અમદાવાદઃ OBCના મુદ્દે રાજ્યના રાજકારણમાં ફરી એકવાર આક્ષેપ પ્રતિ આક્ષેપનો જંગ જામ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર OBC સમાજને અન્યાય કરવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે ભાજપ પર વળતો આક્ષેપ કર્યો. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપે ગુજરાતમાં ઓબીસીને અન્યાય કર્યો છે અને તેનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. શું છે આ આક્ષપ અને પ્રતિ આક્ષેપ પાછળના કારણો, જોઈએ આ અહેવાલમાં...
પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદમાં સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપી હતી. મોદી સમુદાયનો સમાવેશ OBCમાં થાય છે. ત્યારે શાહે પોતાના સંબોધનમાં OBC માટે કેન્દ્ર સરકારે કરેલી કામગીરી ગણાવી. તેમણે કહ્યું કે OBC સમાજમાંથી પ્રથમ પ્રધાનમંત્રી આપવાનું કામ ભાજપે કર્યુ છે. સાથે જ તેમણે કોંગ્રેસની પૂર્વ સરકારો પર OBCને અન્યાય કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.
આ મામલે ગુજરાત કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ OBCના અધિકારો મુદ્દે ભાજપ અને ગુજરાત સરકારને સવાલ કર્યા. તેમણે ભાજપ પર OBCને અન્યાય કરવાનો અને આ સમુદાયના રાજકીય અસ્તિત્વને ખતમ કરવાનો આક્ષેપ કર્યો.
કોંગ્રેસ અગાઉ પણ ઓબીસી માટેના બજેટ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મુદ્દે ભાજપ પર પ્રહાર કરી ચૂકી છે. ગત એપ્રિલ મહિનામાં જસ્ટિસ ઝવેરી કમિશને મુખ્યમંત્રીને OBC અનામત અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો. રાજ્ય સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરીને obc અનામત અંગે કોઈ નિર્ણય લે તેવી શક્યતા છે. ત્યારબાદ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માર્ગ મોકળો થશે. જો કે ઓબીસી માટેના બજેટ કાપ અંગેના કોંગ્રેસના આક્ષેપો સામે ભાજપે સામાજિક સમરસતાનો હવાલો આપ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. એવામાં OBCનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં જ રહેશે. રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલી વાંધાજનક ટિપ્પણીને ભાજપે OBC સમુદાયના અપમાન સાથે સાંકળી હતી. એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાસે આ મુદ્દે એકબીજાને ઘેરવાના મુદ્દા છે. સવાલ એ છે કે ઓબીસી સમુદાય ચૂંટણીમાં કોને સાથ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે