રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવેલી મગફળીની ખરીદી આ વખતે ખૂબ વિવાદોમાં રહી છે. કોઇ જગ્યાએ મગફળીના ગોડાઉન કે બારદાનમાં આગ લાગી હતી. તો કોઇ જગ્યાએ મગફળીની સાથે માટી, ઢેભા અને ધૂળ જોવા મળી હતી. રાજકોટમાં પણ માર્ચ મહિનામાં માર્કેટિંગ યાર્ડમાં બારદાન સળગી જવાની ઘટના બની હતી. તેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, 13 માર્ચના રોજ 17 કરોડના બારદાન બળી ગયા હતા. આ ઘટના અંગે 8 લોકો વિરુદ્ધ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજકોટના મેનેજર અને સૌરાષ્ટ્રના એરિયા મેનેજર વિરુદ્ધ પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગ્યા બાદ જે બારદાન વધ્યા હતા તેને બારોબાર વેંચી મારવાનું પણ સામે આવ્યું છે. કુલ 15 લાખ 80 હજારની કિંમતના બારદાન સગેવગે કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેતરપિંડી અને કાગળ પરના પુરાવા નાશ કરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યા છે. મગન ઝાલાવાડીયાને ટ્રાન્સફર વોરંટ મારફતે જેલમાંથી લાવવામાં આવશે. પોલીસે અલગ અલગ લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ રરી છે. તો અરવિંદ ભાઇ અને મહેશ નામના વેપારીએ આ બારદાન ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે રાજકોટ પોલીસ કમિશનરે કહ્યું કે, સરકાર નિષ્પક્ષ તપાસ કરી રહી છે. કોઇપણ ગુનેગાર હશે તેને છોડવામાં આવશે નહીં. અમને એક સપ્તાહમાં એફએસએલ રિપોર્ટ મળી જશે. ત્યારબાદ આગળની તપાસ કરવામાં આવશે. 


મહત્વનું છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાખેલા બારદાનમાં શેડ નંબર-1 અને 2માં આગ લાગી હતી. જેમાં કરોડો રૂપિયાના બારદાન સળગી ગયા હતા. બીજીતરફ સરકારી રજીસ્ટરમાં પેજ ફાડીને પુરાવાનો નાશ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.