રાજકોટ તાલુકા પોલીસે વેપારી સાથે છેતરપિંડી કરતી અબુડિયા-ટબુડિયા ગેંગની કરી ધરપકડ
આ ગેંગ સોશિયલ મીડિયામાંથી કોઇ વેપારીના નંબર મેળવતા અને તે જે ચીજવસ્તુનો વેપાર કરતા હોય તેની ખરીદી પણ કરતા પરંતુ જ્યારે રૂપિયા આપવાનો વારો આવે ત્યારે આ ટોળકી વેપારીને ઠેંગો બતાવી દેતી અને તેની સાથે છેતરપિંડી કરતી હતી.
રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ પોલીસે અબુડિયા-ટબુડિયા ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સોશિયલ મીડિયામાંથી કોઇ વેપારીના નંબર મેળવતા અને તે જે ચીજવસ્તુનો વેપાર કરતા હોય તેની ખરીદી પણ કરતા પરંતુ જ્યારે રૂપિયા આપવાનો વારો આવે ત્યારે આ ટોળકી વેપારીને ઠેંગો બતાવી દેતી અને તેની સાથે છેતરપિંડી કરતી હતી. જો કે પોલીસ તેનું કશું જ નહિ કરી શકે તેવા કૈફમાં રહેતી આ ગેંગ આખરે પોલીસના હાથે પકડાઇ ગઇ છે.
પોલીસના સકંજામાં રહેલા આ ટોળકી અબુડિયા,ટબુડિયા ગેંગ તરીકે ઓળખાય છે. વર્ષોથી આ ગેંગ લોકોને પોતાની જાળમાં ફસાવીને એ રીતે લૂંટી લે છે કે સામેવાળી વ્યક્તિ તેની પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતી. રાજકોટના તાલુકા પોલીસને એક ફરિયાદ મળી કે તેના વિસ્તારમાં આવેલી એક ઇલેકટ્રીકની દુકાનમાંથી ચીજવસ્તુઓની ખરીદી કરીને આ ગેંગે રૂપિયા આપ્યા નથી જેથી પોલીસ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી અને જામનગરના ધ્રોલ નજીક આવેલા ગામમાંથી રમણક પઢીયાર, રમેશ પઢિયાર અને ભરત પરમારની ધરપકડ કરી હતી અને વેપારી પાસેથી મંગાવેલો માલ પણ કબ્જે કર્યો હતો.
આ રીતે ગેંગ કરતી છેતરપિંડી
પોલીસના કહેવા પ્રમાણે અબુડિયા-ટબુડિયા તરીકે ઓળખાતી આ ગેંગ સોશિયલ મીડિયાના માઘ્યમથી અલગ અલગ ચીજવસ્તુઓ વહેંચતા વેપારીનો સંપર્ક કરે છે. તેની પાસેથી મોટા પ્રમાણમાં ખરીદી કરવાની વાત કરે છે પછી જ્યારે વેપારી જે તે વસ્તુ લઇને તેની પાસે પહોંચે છે ત્યારે ગેંગનો એક સાગરિત તે ખરીદેલી ચીજવસ્તુ તેની પાસે લઇ લે છે જ્યારે બીજો સાગરિત રૂપિયા આપવા માટે વેપારીને ગોળ ગોળ ફેરવે છે, અંતે આ ગેંગ જે નંબરમાંથી ફોન કર્યો હોય તે સ્વીચઓફ કરી નાખે છે. આ ટોળકીનો ખૌફ એવો છે કે આ ટોળકી જે ગામમાં રહે છે ત્યાં કોઇ જવાની પણ હિંમત નથી કરતું.
3 જિલ્લામાં 22 જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગની રાજકોટ પોલીસે કરી ધરપકડ
હાલ તો પોલીસે આ ટોળકીના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. મૌખિક કરાર હોવાથી આ ટોળકી વિરુદ્ધ કોઇ પુરાવા રહેતા નથી જેથી કોઇ પોલીસ ફરિયાદ પણ કરતું ન હતુ જો કે હવે આ ટોળકી પોલીસ સકંજામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવા કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ ટોળકી અગાઉ અનેક વખત પોલીસ સકંજામાં આવી ચૂકી છે ત્યારે હવે કેટલા ગુનાઓ પરથી પરદા ઉંચકાય છે તે જોવાનું રહ્યુ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube