રાજકોટઃ બાયોડીઝલના ગોરખધંધામાં એક ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદારનું નામ આવ્યું સામે, જાણો વિગત
આ ઉચ્ચ અધિકારી અને તેના વહીવટદાર વચ્ચે જૂના કનેક્શનને કારણે સંબંધ છે. બાયોડીઝલ કાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ નીરજા રાવ અને એસપી નિર્લિપ્ત રાય દ્વારા સ્ફોટક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
રાજકોટઃ રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં બાયોડીઝલનું વેચાણ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે. સ્થાનીક પોલીસને ખ્યાલ ન આવે તેરી રીતે તેનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો હતો. ત્યારબાદ 20 જુલાઈએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આશરે 12000 લીટર બાયોડીઝલનો જથ્થો રાજકોટના કુવાડવાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે આ કૌભાંડમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદારનું નામ સામે આવ્યું છે.
20 જુલાઈએ પડ્યા હતા દરોડા
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 20 જુલાઈએ 12000 લીટર કથિત બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 11 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. હવે આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બાયોડીઝલના ગોરખધંધામાં એક ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદારનું નામ ખુલ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીના વહીવટદાર સ્ટેટ મોનિટરિંગ સેલની રડારમાં છે. વહીવટદાર રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજારે છે.
આ પણ વાંચોઃ અકસ્માત સર્જવામાં માસ્ટર છે તથ્ય પટેલ, 31 ડિસેમ્બર 2022ના જગુઆરથી સર્જયો હતો અકસ્માત
આ ઉચ્ચ અધિકારી અને તેના વહીવટદાર વચ્ચે જૂના કનેક્શનને કારણે સંબંધ છે. બાયોડીઝલ કાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ નીરજા રાવ અને એસપી નિર્લિપ્ત રાય દ્વારા સ્ફોટક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જાણકારી મળી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીના ગાંધીનગરમાં આંટાફેરા પણ વધી ગયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના રિપોર્ટ બાદ માત્ર વહીવટદાર સુધી પગલા લેવાશે કે તેનો રેલો ઉચ્ચ કક્ષાએ પહોંચવાનો છે? હાલ તો રાજકોટથી લઈને ગાંધીનગર સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 20 જુલાઈએ સાંજે રાજકોટના કુવાડવા રોડ પર ગેરકાયદેસર વેચાતા બાયોડીઝલ પંપ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બાયોડીઝલ ભરેલા ટ્રકો, બાયોડીઝલ પૂરવા આવેલા ચાર જેટલા ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 11 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. જેનો મુખ્ય સૂત્રાધાર મનહરસિંહ ઉર્ફે મનુ ડાંગર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા આ દરમિયાન રાજકોટ પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube