સંગીતના સૂરોથી ઉગે છે શાકભાજી, રાજકોટના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ
કોંક્રિટના જંગલો વચ્ચે ક્યારેય લીલુછમ વાતાવરણ જોવા મળે નહિ. પરંતુ રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે આ અશક્ય વાતને શક્ય કરી બતાવી છે. રાજકોટ (rajkot) ના ખેડૂત રસિક શીંગાળાએ શહેરની મધ્યમાં એવો બગીચો ઉભો કર્યો છે જેને જોઈને મનને સુખદ આનંદ મળે છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :કોંક્રિટના જંગલો વચ્ચે ક્યારેય લીલુછમ વાતાવરણ જોવા મળે નહિ. પરંતુ રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે આ અશક્ય વાતને શક્ય કરી બતાવી છે. રાજકોટ (rajkot) ના ખેડૂત રસિક શીંગાળાએ શહેરની મધ્યમાં એવો બગીચો ઉભો કર્યો છે જેને જોઈને મનને સુખદ આનંદ મળે છે.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી પોતાની વાડીમાં રસિક શીંગાળાએ કેમિકલ વગરના શાકભાજી ( organic vegetable ) નું વાવેતર કર્યું છે. એટલું જ નહિ, એ સાથે તેઓએ સંગીતના તાલે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. તેઓનું માનવું છે કે, મ્યુઝિક થેરાપી મદદથી શાકભાજી સ્વાદિષ્ટ ઉગે છે અને ઓર્ગેનિક શાકભાજીને વધુ પૌષ્ટિક બનાવવા માટે મ્યૂઝિક થેરાપી ( music therapy ) મદદરૂપ બને છે. રસિકભાઇ દ્વારા છેલ્લા 3 થી 5 સપ્તાહ સુધી લાઇવ તિબેટીયન મ્યુઝિક ( tibetan music ) વગાડી પ્લાન્ટ ઉપર તેની શુ અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તલાલામાં ભૂકંપના આંચકા સાથે સંભળાયો ભેદી ધડાકો, લોકો ગભરાયા
ઉલ્લેખનીય છે કે, રાજકોટવાસીઓને સ્વાદ પ્રેમી માનવામાં આવે છે અને આ માટે જ રાજકોટના જ એક ખેડૂતે રાજકોટની જનતાને અનુરૂપ સ્વાદિષ્ટ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને આમ સ્વાદની પૂર્તિ કરી રહ્યાં છે.
ખેડૂત રસિકભાઇ પોતાના આ મ્યૂઝિક પ્રયોગને સૌપ્રથમ વખત રાજકોટ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર શરૂ કર્યો છે. રસિકભાઈનું માનવું છે કે જેમ મનુષ્યના શરીરમાં સેલ રહેલા છે તે જ રીતે શાકભાજીમાં પણ સેલ હોય છે. મ્યુઝિક થેરાપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે. રસિકભાઈએ મ્યૂઝિક થેરાપી માટે તેમના મિત્ર પિયુષ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો અને તેમના પ્લાન્ટને સપ્તાહમાં ત્રણથી પાંચ દિવસ સુધી તિબેટીયન મ્યુઝિક થેરાપી આપવા નિર્ણય કર્યો છે. જેમાં ખૂબ સારી અસર જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હાલ રસિકભાઈ દ્વારા છાણ કે ખાતર વગર તૈયાર થતી ઓર્ગેનિક શાકભાજીનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી આ ખેડૂત દ્વારા દવાના ઉપયોગ કર્યા વગર પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દવા અને કેમિકલના ઉપયોગથી જમીન અને શાકભાજીને થતું નુકસાન તો થાય જ છે, પરંતુ તેની સાથે સાથે લોકોના શરીરને પણ અલગ-અલગ રોગ થવાનું જોઈ પૌષ્ટિક શાકભાજીના વાવેતર કરવાનો વિચાર આવ્યો અને તેમાં સફળતા પણ મળી.