દીકરીને બદલે તેનો મૃતદેહ ચૌહાણ પરિવારમાં પહોંચ્યો, રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થિનીની આત્મહત્યા

- રૂમ પાર્ટનરે સાંજે નોકરી કરીને દરવાજો ખોલતા અંદર સુજાતાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો
- સુજાતાએ કેમ આત્મહત્યા કરી તેનુ કારણ જાણી શકાયું નથી. તેની પાસેથી કોઈ ચિઠ્ઠી મળી આવી નથી
રક્ષિત પંડ્યા/રાજકોટ :નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની રાજકોટની ગર્લ્સ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોડિયાના લખતર ગામની સુજાતા ચૌહાણએ ગર્લ્સ હોસ્ટલના 8મા માળે આવેલા પોતાના રૂમમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. સુજાતા ચૌહાણ ખાનગી કોલેજમાં નર્સિંગના અભ્યાસ સાથે રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 4 મહિનાથી સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ત્યારે તેની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે છાત્રાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે ટક્કર મારીને ઢસડ્યા, ત્રણેયના ઓન ધી સ્પોટ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ લખતર ગામના પ્રવીણભાઈ ચૌહાણની દીકરી સુજાતા (ઉંમર 22 વર્ષ) રાજકોટની એચ.એન શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે ઓનલાઈન અભ્યાસ કરતી હતી. તો સાથે જ સરકારની સૂચના મુજબ તેને કોવિડ હોસ્પિટલમાં સેવા પણ બજાવવાની કામગીરી મળી હતી. તે ચાર માસથી રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ ડ્યુટી દરમિયાન તે ન્યૂ નર્સિંગ હોસ્ટેલમાં 8 મા માળે રૂમ નંબર 830માં રહેતી હતી. ગઈકાલે તેનો ઓફ હોય તે રૂમમાં હતી. ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. તેની રૂમ પાર્ટનરે સાંજે નોકરી કરીને દરવાજો ખોલતા અંદર સુજાતાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો : પુખ્ત વયના પ્રેમનું પરિણામ, કિશોરીને બાળક થતા કડકડતી ઠંડીમાં એપાર્ટમેન્ટ નીચે મૂકી દીધું
સુજાતાએ કેમ આત્મહત્યા કરી તેનુ કારણ જાણી શકાયું નથી. તેની પાસેથી કોઈ ચિઠ્ઠી મળી આવી નથી. તો સાથે જ તેણે આત્મહત્યા વિશે કે કોઈની હેરાનગતિ વિશે કોઈ માહિતી પરિવારને કે મિત્રોને કરી ન હતી. તેથી પોલીસ ચોક્કસ કારણ સુધી પહોંચી નથી. પરંતુ આ મામલે વધુ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
જોકે, સુજાતાની તબિયત સારી ન હોવાથી તે એક મહિનાની રજા લઈને ઘરે જવાની હતી. તેની મમ્મી સાથેની છેલ્લી વાતચીતમાં તેણે કહ્યું હતું કે, હમણા મારી તબિયત સારી રહેતી નથી. તેથી હું એક મહિનાની રજા લઈને ઘરે આવું છું. ત્યારે દીકરીને બદલે તેનો મૃતદેહ ચૌહાણ પરિવારમાં પહોંચ્યો હતો. પુત્રનો મૃતદેહ જોઈ માતાપિતા હેબતાઈ ગયા હતા.
આ પણ વાંચો : બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું