બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું

Updated By: Dec 30, 2020, 11:47 AM IST
 બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું
  • મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી
  • ગાંધીનગરમાં લાંબી બેઠક બાદ આખરે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું 

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હતો અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના હતા. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રિસામણા-મનામના બાદ આખરે આજે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું છે. તેઓએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, સરકાર કે પક્ષથી મને કોઈ તકલીફ નથી. મારા મિત્રોને ખ્યાલ છે કે, મને લાંબા સમયથી કમર અને ગરદનમાં તકલીફ રહે છે. બીમારી અને આરામ કરવાના ઉદ્દેશથી મેં રાજીનામું આપ્યું હતું. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત બાદ મેં મારો નિર્ણય બદલ્યો છે. સાંસદ તરીકે હું ચાલુ રહીશ. રાજીનામાનો નિર્ણય પાછો લઉં છું. 

તેમણે વધુમાં કહ્યું કે, રાજીનામુ આપવા પાછળ એક જ કારણ હતું. સરકારે હંમેશા મારો અવાજ સાંભળ્યો છે. સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ નથી. પરંતુ નાંદુરસ્ત તબિયતને કારણે લોકસભામાં જેટલો પ્રયાસ કરવાનો હોય તેટલો કરી શક્તો નથી. આરામ કરવાના હેતુથી જ મેં રાજીનામુ આપ્યું હતું. પાર્ટી સામે મારી કોઈ નારાજગી નથી. તેમણે વધુમાં કહ્યું કે, લવ જેહાદ મામલે મને અનેક ધમકી મળી હતી, લંડનથી પણ ધમકી મળી હતી. કેટલાક લોકોએ મારા પર આક્ષેપો કર્યા છે. પરંતું હું મુસ્લિમોનો વિરોધી નથી. મુસ્લિમ સમાજના લોકો પણ મારી સાથે છે. 
 

ગઈકાલે રાજીનામા બાદ ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર મનસુખ વસાવાને મનાવવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમજ વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને નર્મદા જિલ્લાના પ્રભારી સતીશ પટેલ પણ મનાવવા પહોંચ્યા છે. તો બીજી તરફ, મનસુખ વસાવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી હતી. મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી. ગાંધીનગરમાં લાંબી બેઠક બાદ આખરે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું હતું. 

મનુસખ વસાવા સાથે 29 અગ્રણીઓએ રાજીનામા આપ્યા 
આ વચ્ચે મોટા ખબર મળ્યા છે કે, મનસુખ વસાવા સાથે સાગબારામાં ભાજપના 29 અગ્રણીઓએ પણ રાજીનામા આપ્યા હતા. સાગબારા તાલુકાના ભાજપ પ્રમુખ મોતિસિંગ વસાવા, મહામંત્રી દિવેશ વસાવાએ રાજીનામું આપ્યું હતું. પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ વસાવાએ પણ રાજીનામું સોંપ્યું હતું. તો વિવિધ મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, સરપંચોએ પણ સાગમટે રાજીનામા આપ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યા હતા.