ચૂંટણી લડ્યા વિના જ રાજ્યસભામાં પહોંચશે ગુજરાત ભાજપના 4 ઉમેદવારો! આવા છે સમીકરણો
Rajyasabha Election Gujarat: રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠકો બિનહરીફ ભણી. ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ લહેરાવશે ભગવો. કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતર્યા પહેલાં જ આઉટ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ.
Rajyasabha Election Gujarat/હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોને લઈને ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરીને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ જ નથી. જેને કારણે સ્થિતિ એવી સર્જાઈ શકે છેકે, ગુજરાતની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ જ જીત હાંસલ કરી લે. મહત્ત્વનું છેકે, આવતી કાલે 8 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ થશે.
ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી માટે પૂરતા સંખ્યાબળના અભાવને કારણે કોંગ્રેસ પહેલાંથી જ આઉટ. મુકાબલા પહેલાં જ કોંગ્રેસે મુકી દેવા પડ્યાં છે હથિયાર. વિધાનસભામાં પૂરતા સંખ્યાબળના અભાવને કારણે ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે એકપણ ઉમેદવાર નહિ ઊભા રાખવા નિર્ણય કર્યો છે. કારણકે, કોંગ્રેસ ધારે તો આ ચૂંટણી જીતી શકે તેમ નથી. એટલું જ નહીં કોંગ્રેસને પોતાને ખબર છેકે, એ પ્રકારે આ ચૂંટણીમાં તેમના માટે માત્ર ઔપચારિક જ બની રહેવાની છે. કારણકે, તેમની પાસે ઉમેદવાર ઉભા રાખવા માટે વિધાનસભામાં પુરતું સંખ્યાબળ જ નથી.
પૂરતા સંખ્યાબળના અભાવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ વન સાઈડ જ રહેવાની પુરી સંભાવના. આવતીકાલે 8 ફેબ્રુઆરીના રોજ આ ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જરૂર જણાશે તો 27 ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે. 8 ફેબ્રુઆરી આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. 15 ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ઉલ્લેખનીય છેકે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી જ માનવામાં આવે છે. તેમ છતાં આ બેઠકો પર કયા મુરતિયાઓને મોકો મળશે એ નામો હજુ કોઈ જાણતું નથી. ખુદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ કે તેના મુખિયા પાસે પણ આ નામો નથી. સૌ કોઈના મનમાં એક જ સવાલ છેકે, રાજ્યસભાની મોભાદાર 4 જગ્યાઓમાં ભાજપ કોના શિરે સાફો બાંધશે? જેને પણ આ ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરવાનો મોકો મળશે તે ખુબ જ સરળતાથી રાજ્યસભામાં સાંસદ બનીને 6 વર્ષ સુધી આ મોભો ભોગવી શકશે.