પ્રેમલ ત્રિવેદી/પાટણ :ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સૂતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન. આ પર્વની ઉજવણી સામાન્ય રીતે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પાટણના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારનું એક ગામ એવુ છે જે આ દિવસ નહિ, પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધન (Raksha Bandhan) નું પર્વ ઉજવે છે. તેની પાછળ પણ એક ઇતિહાસ વણાયેલો છો. આવો જોઈએ કે આ ગામમાં શા માટે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ નથી ઉજવવામાં આવતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

700 વર્ષ જૂની પરંપરા આજે પણ નિભાવે છે 
પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગોધાણા ગામ ખાતે ગોધાણશાપીર દાદાનું મંદિર આવેલું છે. ગ્રામજનોને દાદા પર અતૂટ શ્રદ્ધા છે. ગામમાં દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ પૂર્વે ગામ આખું ઢોલના નાદ સાથે ભેગુ થાય અને તેમાંથી ચાર યુવાનો ગામ તળાવમાંથી માટલીમાં પાણી ભરી લાવે છે. ત્યાર બાદ ગામની સીમમાં દોડનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા 700 વર્ષથી જળવાયેલી છે. કારણ કે 700 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી જેને કારણે આ પરંપરા પાળવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમના પર્વ પર ગામના ચાર યુવાનો પરંપરા મુજબ, માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડામાંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા હતા. આ વાત ગ્રામજનોને થતા તેઓ તળાવ ખાતે દોડી ગયા હતા. તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈ બેસી રહ્યા. પણ યુવાનોની કોઈ ભાળ મળી નહિ. છેવટે ચાર યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં પરત આવ્યા હતા. આમ, આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. 


28 દિવસ બાદ યુવકો તળાવમાંથી જીવતા બહાર આવ્યા હતા 
તે દરમિયાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ (Raksha Bandhan Special) પણ આવતો હોઈ ગામમાં ચાર યુવાનોના મોતનો શોકનો માહોલ હતો. જેથી ગ્રામજનોએ રક્ષાબંધન નહિ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. દિવસો વિત્યા બાદ એક દિવસ  ગામના મુખિયાને સપનુ આવ્યું કે, જેમાં ગ્રામજનોના આસ્થા સમા ગોધણશાપીર દાદા આવ્યા છે. તેમને કહ્યુ કે, આવતીકાલે સવારે આખું ગામ ભેગુ થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો. ત્યાં તળાવમાં ડૂબેલા ચાર યુવાનો તમને મળી જશે. આ પ્રકારના સપનાની વાત સવારે મુખિયાએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળ્યા હતા. ગ્રામજનોની નજર સામે મોટો ચમત્કાર થયો હતો. આમ આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. 


આજે પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધન ઉજવાય છે 
આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર આવ્યા હતા. તે દિવસે ગામમાં રહેતી દીકરીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તે દિવસ એટલે કે ભાદરવા સુદ તેરસનો દિવસ. ત્યારથી ગામના લોકો ભાદરવા સુદ પૂનમના દિવસે જ રક્ષાબંધન ઉજવે છે. આજે પણ 700 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી નથી કરતું. પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ દિવસે ગામ ખાતે આવેલ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચઢાવીને દીકરીઓ ભાઈના હાથે રાખડી બાંધે છે. 


વહુ-દીકરીઓ પણ પરંપરા નિભાવે છે 
ગામના સ્થાનિક રહેવાસી હીરાભાઈ જાદવે જણાવ્યું કે, ગામની દીકરીઓ પણ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી નથી કરતી. પણ ભાદરવા સુદ તેરસના દિવસે દીકરીઓ ગામમાં આવે છે અને તેમના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. આ 700 વર્ષ પૂર્વની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના રોજ દીકરીઓ તેમના પિયરે જઇ ભાઈને રાખડી બાંધે છે. આમ ગામની દરેક દીકરીઓ તેમજ ગામમાં પરણીને આવેલી વહુો પણ આ પરંપરા નિભાવે છે.