ઝી મીડિયા/બ્યૂરો :‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવી ટ્વિટ કરનાર ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Ramchandra Guha) ને જવાબ આપવામાં ગુજરાતની જનતા સક્ષમ છે. આ સ્ટેટમેન્ટ પોલિટિકલ છે, વિવાદિત વાતો કરવી એ ગુહાની આદત છે. પણ, હકીકતમાં ગુજરાતનો ઈતિહાસ એટલો સમૃદ્ધ છે કે તેને સમજવામાં રામચંદ્ર ગુહા ટૂંકા પડ્યા છે. ગુજરાતની સંસ્કૃતિની સમૃદ્ધતા સમજવામાં રામચંદ્ર ગુહા કાચા પડ્યા છે. એટલે જ #GuhaDividesIndia હેશટેગ પર લોકોએ રામચંદ્ર ગુહાને સણસણતા જવાબ આપ્યા છે. આ જવાબો આપનારાઓમાં બિનગુજરાતીઓ પણ હતા. તેનું કારણ એક જ છે કે, ગુજરાત એવુ રાજ્ય છે, જેણે અન્ય રાજ્યોના લોકોને પણ પોતાનામાં સમાવ્યા છે. જે પ્રજાએ પારસીઓને આશરો આપ્યો હતો, તે જ તેની સંસ્કૃતિ બતાવે છે. ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે કોઈ ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાને ઈતિહાસકાર કહેવાતા ગુહા ભૂલી ગયા કે, તેઓને જે પુસ્તક માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો, તે પણ એક ગુજરાતીની જ હતી. ગુહાની પુસ્તક ‘ગાંધી - ધ ઈયર્સ ધેટ ચેજન્ડ ધ વર્લ્ડ’ પુસ્તકને નેશનલ એવોર્ડ મળ્યો હતો. જેમાં તેઓએ મહાત્મા ગાંધી (Mahahtama Gandhi) ના ત્રણ દાયકાની સફરનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે ગુજરાતની સંસ્કૃતિ વિશે ટિપ્પણી કરતા પહેલા ગુહા ભૂલી ગયા કે, તેઓએ જ પોતાના પુસ્તકમાં એક ગુજરાતીના વખાણ કર્યાં છે. 


ગુજરાત પર એલફેલ બોલનાર ગુહાને લોકોએ ઈતિહાસ શીખવ્યો હતો. ટ્વિટર પર લોકોએ ગુહાને ભગવદગીતામાં દ્વારકાનો ઉલ્લેખ, હડપ્પીયન સંસ્કૃતિ, સૌરાષ્ટ્રની વાતો કરીને લપડાક આપી હતી. સંસ્કૃતિના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પંકાયેલ ગુહાને શું ખબર છે કે, ગુજરાત આજે પણ ખરા અર્થમાં સોને કી ચીડિયા છે. ગુજરાતની સમૃદ્ધતા પર વાત કરતા ઈતિહાસકાર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, ગુજરાતીઓને વેપાર પારખવાની નીતિથી આકર્ષાઈને વિદેશીઓ અહી આવતા હતા. પ્રાચીન કાળમાં ગુજરાતથી જ જહાજો દ્વારા વેપાર શરૂ થયો હતો. ભૂતકાળમાં અનેક રાજાઓએ ગુજરાતને કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે અલગ અલગ લોકોની સંસ્કૃતિ પણ ગુજરાતે એડોપ્ટ કરી છે. હડપ્પા, ઈન્ડોગ્રીક, ઈન્ડોબેક્ટેરીયન, મેન્ડર-1, મેન્ડર-2 જેવા પ્રજાતિના લોકો આવીને બિઝનેસ કરીને ગયા. આ તમામ લોકોને ગુજરાતે માનભેર સ્થાન આપીને પોતાની સંસ્કૃતિનો ભાગ બનાવ્યો. ગુજરાતીઓ બધાને સ્વીકારતા ગયા, તે આપણી સંસ્કૃતિ છે. પારસીઓને પણ ગુજરાતે સમાવ્યા એ અમારી સંસ્કૃતિ છે. 


ગુજરાતના સાંસ્કૃતિ વારસા પર સવાલો ઉઠાવતા ગુહાને ખબર નથી કે, પોતાના લોકોને અને એકબીજાને સપોર્ટ કરવાના જે સંસ્કારો ગુજરાત પાસે છે, તે કોઈની પાસે નથી. મહેમાનનવાજી કરવામાં ગુજરાતીઓ કોઈ પહોંચી ન વળે. ઉત્સવોમાં એકઠા થવાની ગુજરાતીઓની સંસ્કૃતિની અન્ય લોકો ઈર્ષ્યા કરતા હોય છે. પણ ખેર, ગુહા ફિલિપ સ્પ્રાટના નિવેદનમાંથી બહાર આવ્યા નથી. આ કારણે જ સોશિયલ મીડિયા પર લોકોએ ઈતિહાસકાર તરીકેની ગુહાની ક્રેડિબિલિટી પર સવાલો ઉભા કર્યાં. 


ગુહાના આ ટ્વિટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ તો ગઈકાલે જ સણસણતો જવાબ આપી દીધો હતો કે, અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી.  હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે,  ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ ગુહા પર આક્રોશ બતાવતા કહ્યું કે, સસ્તી પ્રસિદ્ધિ માટે કેટલાક લોકો નિવેદન આપે છે. ગુજરાત દેશ ને અનેક બાબતે દિશા ચીંધી છે. દેશની આઝાદી અખંડિતતામાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ફાળો મહત્વનો છે. 


મિસ્ટર ગુહા, ગુજરાત પર આંધળી ચીંધતા પહેલા સો વાર વિચારી લેજો કે તમે એક એવા રાજ્યની વાત કરો છે, જેણે ભારતને રાષ્ટ્રપિતા આપ્યા છે. જેના વડાપ્રધાન (Narendra Modi) પણ એક ગુજરાતી છે. ગૃહમંત્રી (Amit Shah) પણ ગુજરાતી છે. આ એ જ ગુજરાતીઓ છે, જેને વિશ્વભરના દેશોએ પોતાનામાં સમાવ્યા છે. ભારતનો વિકાસ ગુજરાતના વેપાર વગર પાંગળો છે. અબજોપતિઓની યાદીમાં કેટલા ગુજરાતીઓ છે તેનો ઈતિહાસ પણ એકવાર ચકાસી લે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર