સુરતમાં બની ગુજરાત પર કલંકની ટીલી લગાવતી ઘટના
હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે
સુરત : સુરતના માન દરવાજામાં એક સાત વર્ષની નાનકડી બાળકી સાથે પાડોશીએ દુષ્કર્મ કર્યું હોય એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં આ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડની દિશામાં તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે માનદરવાજા વિસ્તારમાં માસૂમ બાળકી ઘરની બહાર રમી રહી હતી. દરમિયાન પાડોશી યોગેશ ચોકલેટ આપવાના બહાને બાળાને પોતાની રૂમમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાની પરિવારને જાણ થઈ જતા યોગેશ ફરાર થઈ ગયો હતો અને પરિવારે પોલીસ સ્ટેશનમાં યોગેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
બાળકો સાથે આ પ્રકારના ગુનાની સજા આકરી થતી હોવા છતા્ં આવા મામલાઓ ઘટી નથી રહ્યા. તાજેતરમાં જ રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢમાં બાળકી પર બળાત્કાર કરવાના ગુનાના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ઘટનામાં 9 મેના રોજ 7 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોક્સો એક્ટમાં સંશોધન બાદ આ દેશનો ત્રીજો અને રાજસ્થાનનો પહેલો કેસ છે. અંતિમ ચર્ચા 17 જુલાઇને સાંભળીને 18મી જુલાઇએ આરોપીને માત્ર 70 દિવસમાં દોષીત ઠેરવવામાં આવ્યો અને આજે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. પોક્સો એક્ટ હેઠલ દોષીત કરાર કરવાની રાજસ્થાનમાં પ્રથમ કાર્યવાહી હતી.