છેતરપીંડીના કેસમાં રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીની મહિલા ઉમેદવારની ધરપકડ
સુરત ટેકસટાઇલ માર્કેટમાં કરોડો રુપિયાની છેતરપીંડી કરનાર હીરામણી શર્મા નામની મહિલાની પુણા પોલીસે ધરપકડ કરી, હીરામણી શર્માએ નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે
ચેતન પટેલ/સુરતઃ સુરતની ટેકસટાઇલ માર્કેટમાં કરોડો રુપિયાની છેતરપીંડી કરનારી હીરામણી શર્મા નામની મહિલાની પુણા પોલીસે ધરપકડ કરી છે. હીરામણી શર્માએ નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. પોલીસે હીરામણીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત રધુકુળ ટેકસટાઇલ માર્કેટમાં હીરામણી શર્મા તથા નીલેશ નામના બે શખ્સોએ ભાગીદારી પેઢી શરુ કરી હતી. બંને દ્વારા શરુઆતના સમયે નાના વેપારીઓને નિશાન બનાવાયા હતા. નાના વેપારીઓ પાસેથી જોબવર્ક કરાવી બાદમાં રફુચકકર થઇ ગયા હતા. અંદાજિત રૂ. 35 કરોડની છેતરપીંડી કરી બંને લોકો દુકાન બંધ કરી ભાગી છુટતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
અનોખો કિસ્સોઃ 14 પાલતુ પ્રાણી સાથે અમદાવાદ ફરવા આવી USની મહિલા
લાલજી દુધાત નામના વેપારીએ પુણા પોલીસ મથકમાં હિરામણી શર્મા તથા નીલેશ નામની બે વ્યક્તિ વિરુધ્ધ રૂ. 3.18 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પુણા પોલીસે આજ રોજ બે આરોપી પૈકી હીરામણી શર્માની ધરપકડ કરી તેને જેલ ભેગી કરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, હીરામણીએ નવસારી લોકસભાની બેઠક પરથી રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.
હાલ પુણા પોલીસે આરોપી હીરામણીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરુ કરી છે અને ફરાર નીલેશની શોધખોળ શરૂ કરી છે.