શું છે ગુજરાતમાં આજે ખાસ, વાંચો દિવસભરના 5 મહત્વના સમાચાર એક ક્લિકમાં
આજે 19 ઓગસ્ટના દિવસે રાજ્યના પાંચ મહત્વના સમાચાર વાંચો
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તો ગુજરાત એટીએસે ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું. જુઓ દિવસભરના 5 મહત્વના સમાચાર.
રાજ્યમાં કોરોનાના નવા 1145 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1145 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1120 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 78.98 ટકા પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 82 હજાર 87 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2839 થયો છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 64 હજાર 830 દર્દીઓ સાજા થયા છે.
બે પ્રકારનો છે કોરોના વાયરસ
કોરોના વાયરસ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. શિતલ મિસ્ત્રીએ કોરોનાના પ્રકાર પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે Zee 24 Kalak સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે, હાલ વિશ્વમાં કોરોનાના બે પ્રકાર જોવા મળી રહ્યાં છે. જેમાં D614 અને G614 બે પ્રકાર છે. તેમણે કહ્યું કે, D614 કરતા 10 ગણો ખતરનાક છે G614 વાયરસ. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર વિશ્વમાં G614નું જોર વધુ છે. તેમણે કહ્યું કે, D614 કરતા G614 ઝડપથી ફેલાય છે.
ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું નિષ્ફળ
ગુજરાતમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો મહંમદ રફીક નામનો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી, જેના બાદ છાપામારી કરવામાં આવી હતી, આ સમયે શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે. જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો હતો. જેમાં નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. lત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી. ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે. તો ફાયરિંગમાં શાર્પશૂટરની અટકાયત કરવામાં આવી છે. તેને લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ
ગોરધન ઝડફિયા (gordhan zadafia) ની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યા બાદ એક પછી એક મોટા પર્દાફાશ થઈ રહ્યાં છે. અમદાવાદના રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે એટીએસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આખરે એક શાર્પશૂટર પકડાઈ ગયો છે, અને અન્ય એક ભાગી છૂટ્યો છે. ત્યારે 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા આ શાર્પશૂટરના નિશાના પર હતા. ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે. સાથે જ શાર્પશૂટરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ રેકી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાતના અન્ય નેતાઓ પણ નિશાના પર છે.
મિશન સૌરાષ્ટ્ર પર સીઆર પાટીલ
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સોમનાથમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવ (somnath temple) ના દર્શન કરી સીઆર પાટીલે સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સીઆર પાટીલ આજથી 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. ધાર્મિક સ્થાનો, સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠકો યોજશે. સીઆર પાટીલની આ સૌરાષ્ટ્ર યાત્રા આવનારી ચૂંટણીઓ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે. રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષના આગમન પહેલા જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત થયું હતું. રાજકોટ જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા હતા. આહીર સમાજના યુવાનોનું મોટું સંગઠન જિલ્લા ભાજપમાં જોડાયું છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી તમામનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્ર પર પકડ મજબૂત કરવાના ઈરાદાથી હાલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube