હવે MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ! સિન્ડિકેટ સભ્યોએ લગાવ્યો ગંભીર આરોપ
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 3 સિન્ડિકેટ અને 10 સેનેટ સભ્યો સહિત 13 સભ્યોએ વિવિધ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. સાથે જ યુનિવર્સિટી સત્તાધીશો પાસેથી ભરતી અંગેના વિવિધ 5 મુદ્દાઓની માહિતી માંગી હતી.
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે આજે સિન્ડિકેટની બેઠક મળી, જેમાં ભરતી અંગેની માહિતી માંગનારા સિન્ડિકેટ સભ્યોને માહિતી ન આપવાનો નિર્ણય લેવાતાં વિવાદ વધુ ઘેરાયો છે. સાથે જ ભરતી કૌભાંડ થયો હોવાની આશંકા વધુ તેજ બની છે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 3 સિન્ડિકેટ અને 10 સેનેટ સભ્યો સહિત 13 સભ્યોએ વિવિધ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. સાથે જ યુનિવર્સિટી સત્તાધીશો પાસેથી ભરતી અંગેના વિવિધ 5 મુદ્દાઓની માહિતી માંગી હતી. સાથે જ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના લોકોને પત્ર લખી ભરતીમાં થયેલી ગેરરીતિ અંગે તપાસ કરાવવા રજૂઆત પણ કરી હતી. જે મામલે યુનિવર્સિટીની હેડ ઑફિસમાં આજે સિન્ડિકેટની બેઠક મળી, જેમાં ભરતી અંગે સિન્ડિકેટ સભ્યોએ માંગેલી માહિતી ન આપવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયામાં અને સમાજમાં ખોટી માહિતી ફેલાવવા બદલ માહિતી માંગનારા ત્રણ સિન્ડિકેટ સભ્યો સામે બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ સભ્યો સામે ફોજદારી અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવાનો નિર્ણય લેવાયો.
આ પણ વાંચોઃ Surat: કોરોના વેક્સીનને કારણે ચાર મહિનાથી ગુમ થયેલો પુત્ર મળી આવ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
યુનિવર્સિટીના રજિસ્ટ્રારએ કહ્યું કે સિન્ડિકેટ સભ્યોને 5 મુદ્દાની માહિતીમાંથી 4 મુદ્દાની માહિતી આપી દેવાઈ, જ્યારે એક મુદ્દાની માહિતી યુનિવર્સિટીના નિયમ મુજબ અને ગુપ્તતાને લીધે આપી નહિ શકાય તેવો નિર્ણય સિન્ડિકેટ બેઠકમાં લેવાયો છે. સાથે જ હવેથી જે પણ માહિતી સિન્ડિકેટ સભ્યોને જોતી હશે તો તેમને આરટીઆઈ કરીને માહિતી માંગવી પડશે. તો સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર કહ્યું કે યુનિવર્સિટી સત્તાધીશોએ સામેથી સરકાર પાસે તપાસ સમિતિ બનાવી તપાસ કરવાની માંગ કરી છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સાથે જ યુનિવર્સિટીમાં ભરતીમાં ગેરરીતિના એકપણ પુરાવા કોઈ આપશે તો તમામ સિન્ડિકેટ સભ્યો રાજીનામાં આપવા તૈયાર છે.
સિન્ડિકેટ બેઠકની શરૂઆત થતાં જ આરોપ લગાવનાર સિન્ડિકેટ સભ્યો, બચાવ પક્ષના સિન્ડિકેટ સભ્યો સામસામે આવ્યા હતા, વાઇસ ચાન્સેલર અને આરોપ લગાવનાર સિન્ડિકેટ સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ, સાથે જ ભારે હોબાળો પણ થયો હતો. માહિતી માંગનાર સિન્ડિકેટ સભ્યોએ આક્ષેપ કર્યો કે બેઠકમાં તેમને બોલવા ન દેવાયા, કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હતી. પણ માહિતી આપવામાં આવી નથી. આગામી સમયમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. સાથે જ યુનિવર્સિટી બહાર હવે આંદોલન શરૂ કરાશે. મહત્વની વાત છે યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પણ નિવેદન આપ્યું છે કે જો ભરતીમાં ગેરરીતિ થઈ હશે તો કોઈને પણ છોડવામાં નહિ આવે.
આ પણ વાંચોઃ પોતાની વ્યથા રજૂ કરતા-કરતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હાર્દિક પંડ્યા
મહત્વની વાત છે કે ભરતી અંગેની માહિતી સિન્ડિકેટ સભ્યોને ન અપાતા આગામી સમયમાં વિવાદ વધુ ઘેરાશે. સાથે જ ધારાસભ્ય કેતન ઈનામદાર હવે બરોડા ડેરીના દંગલ બાદ યુનિવર્સિટીનું દંગલ શરૂ કરશે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડનો મામલો ક્યાં જઈને અટકશે તે તો સમય જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube