રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. વર્ષ 2001 માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે. તો મહિનામાં 3 થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. થોડા સમય પહેલા જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા કચ્છમાં 35 જેટલી જગ્યાઓ પર સંશોધન અર્થે હાઈ પાવર જીપીએસ એન્ટેના મૂકવામાં આવ્યા છે. અંજાર, આદિપુર, ભુજ, નાગલપર સહિત કુલ 35 જેટલી જગ્યાઓ પર આ હાઈ પાવર જીપીએસ એન્ટેના બેસાડવામાં આવ્યા છે, જે દરેક મિનિટે તે ભૂમિમાં થતી હલનચલનને નોંધી તેની માહિતી આપે છે. આ જીપીએસ મોબાઈલ અને અન્ય ઉપકરણો આવતા જીપીએસ કરતા અનેક ઘણો તાકાતવર છે અને 0.1 મિલીમિટરના કંપન પર પણ નોંધ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ યુનિવર્સિટીમાં પણ આવું જ એક જીપીએસ એન્ટેના લગાડવામાં આવ્યું છે. ત્યારે આ ઉપકરણ મુદ્દે જણાવતા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના હેડ ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું કે આ ઉપકરણ દર મિનિટે તે જમીનમાં થતી હલચલને નોંધે છે. આવી હજારો નોંધણી વર્ષના અંતે ભેગી કરી તેનો સરવાળો કરવામાં આવે છે. જેથી ખબર પડે છે કે એક વર્ષમાં તે જમીન પોતાની મૂળ જગ્યાથી કેટલી ખસી છે. 2001 ના ભૂકંપમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તો લાખો લોકો બેઘર થયા હતા. કચ્છના ઇતિહાસની એ સૌથી દર્દનાક ઘટનાની તસવીરો આજે પણ લોકોના મગજમાં એક ખૂણે ઘર કરીને બેઠી છે. 2001 બાદ તંત્ર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા ભૂકંપને લઈને અનેક સાવચેતી વર્તવામાં આવી રહી છે. ભચાઉ તાલુકાના વામકા ખાતે એક ખાસ ભૂકંપ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું, જે 24 કલાક કચ્છની ધરતીમાં ધ્રુજારી અંગે નોંધ લે છે.


આ પણ વાંચો : ચૂંટણીમાં ડાર્ક હોર્સ સાબિત થનાર નરેશ પટેલને દિલીપ સંઘાણીની સલાહ, હાર્દિક પટેલવાળી ન કરો તો સારું!!


જમીનના પેટાળમાં પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકીએ નહીં, પરંતુ ભૂકંપથી થતી નુકસાની અટકાવી શકાય છે, જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. વર્ષ 2001માં ભૂકંપ આવ્યા બાદ કચ્છમાં કંપનનો દોર યથાવત રહેતા વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચના અપાઈ હતી. કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. તે મુજબ કચ્છમાં આવેલી 4 ફોલ્ટલાઈન પર કેટલો દબાણ પેદા થાય છે અને તે પ્રમાણે ફોલ્ટલાઈન પર આવેલી પ્લેટને નુકસાન થઈ શકે છે તે મુદ્દે સંશોધન કરાય છે. આ પ્લેટના હલનચલનથી વિનાશક ભૂકંપ પણ ત્રાટકી શકે છે તેવું ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું. 


ફોલ્ટલાઈનોમાં સંશોધન માટે જુદા-જુદા 8 પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યા હતા, જેનું સમાપન આ વર્ષે થયું છે. ખાસ તો કઈ ફોલ્ટલાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કરાયો હતો. ભૂકંપ અંગે છેલ્લા 6 વર્ષથી સંશોધનો કરવામાં આવ્યા હતા, જેના તારણો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. વાગડમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી અવાર નવાર ભૂકંપના આંચકા આવે છે


વાગડ વિસ્તારમાં જ્યાંથી ફોલ્ટલાઈન પસાર થાય છે તે ફોલ્ટલાઈન આપણે બંધ કરી શકીએ નહિ. કારણ કે, આ કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાને લઈએ તો નુકસાનીથી બચી શકીએ તેમ છે. મોટે ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001 ના ધરતીકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જે-તે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી, જેની નુકસાની આજે પણ યથાવત રહેતા આ વિસ્તારમાં આંચકા આવતા હોય છે. આ નુકસાની હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી તેમજ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી લાંબુ ભંગાણ થયું છે, જેથી ભૂકંપના નવા આંચકા આ વિસ્તારમાં નોંધાવા સામાન્ય બાબત છે.


આ પણ વાંચો : સુરતની હોળી લવલી વગર અધૂરી, જાણો કોણ છે આ પદમણી નાર અને રૂપ રૂપનો અંબાર


કચ્છમાં દરરોજ ભૂકંપના આંચકા આવતા હોય છે. અવારનવાર ભચાઉ, રાપર, દુધઈ, ધોળાવીરા, ખડીર આ તરફ પશ્ચિમમાં તાજેતરમાં ખાવડા, સુખપર, લખપત સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ભૂકંપના આંચકાની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. જોકે, હળવા કંપનોના કારણે લોકોમાં ખોટો ગભરાટ ફેલાતો હોવાથી નવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો હશે તો જ તેની વિગતો જારી કરાશે. આ નિર્ણયની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. આ અંગેની વિગતો મુજબ, કચ્છ માં 2001 માં આવેલા ભૂકંપ બાદ ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલા ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભૂકંપનું માપન કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. આઈએસઆર ગાંધીનગર નામની વેબસાઈટ પર લેટેસ્ટ અર્થક્વેક પર ક્લિક કરીએ તો આપણને ભૂકંપના આંચકાની વિગતો મળે છે, તેમાં કેટલા મેગ્નિટ્યૂડનો આંચકો કયા સ્થળે અને જમીનમાં કેટલી ઉંડાઈએ તથા કેટલી તીવ્રતાનો હતો તેની વિગતો આપવામાં આવે છે.


કચ્છમાં અવારનવાર 1 કે 2ની તીવ્રતાના આંચકા નોંધાતા હોય છે. આવા આંચકાઓને હળવા કંપન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છની પરિભાષામાં કહીએ તો 3.5થી વધુનો આંચકો હોય તો જ તેને ગંભીર રીતે ગણવામાં આવે છે. બાકીના આંચકાઓને સામાન્ય માનવામાં આવે છે. જોકે, વેબસાઈટ પર દરરોજ આંકડા અપડેટ થતા હોવાથી લોકોમાં ભય ન ફેલાય એ માટે હવે 2.5થી વધુ તીવ્રતાના આંચકાની વિગતો જ વેબસાઈટ પર મૂકવામાં આવશે, જેની અમલવારી શરૂ થઈ ગઈ છે.