અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષા ચોરી કરતી ગેંગ ઝડપાઈ, પાંચ દિવસમાં કરી પાંચ રીક્ષાની ચોરી
અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રીક્ષા ચોર ગોંગને ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી પાંચ રીક્ષાની ચોરી કરવામાં આવી હતી.
અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષા ચોરીઓ કરતી ગેંગ ઝડપાય છે. આ ગેંગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પાંચ રીક્ષાઓની ચોરી કરી હતી. શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે રીક્ષા ચોર ગેંગના સભ્યો દ્વારા જે હકીકત પોલીસને જણાવી તે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. જુઓ કઈ રીતે કરતા હતા રીક્ષા ચોરી અને કોણ છે આ ગેંગના બે સભ્યો.
અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રીક્ષા ચોરીઓ થવાની ઘટનાઓ વધી રહી હતી, જેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પાંચ રીક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા શાહીબાગ પોલીસ રીક્ષા ચોરને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલના ગેટ નંબર 8 પાસેથી 1 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર સુધી અલગ અલગ ચાર રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રીક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ સીસીટીવી તેમજ અન્ય માહિતીઓના આધારે શાહીબાગ પોલીસની ટીમ દ્વારા રીક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. આરોપી દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સિમકાર્ડના નામે છેતરપિંડી, ક્રાઈમબ્રાન્ચે કર્યો કૌભાંડનો પર્દાફાશ, ત્રણ ઝડપાયા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ ઉર્ફે દિલો અગાઉ પણ ચોરીના પાંચ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ઉપરાંત શાહીબાગ પોલીસે પાંચ રીક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ રીક્ષાઓ રિકવર કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રીક્ષાની જૂની ચાવી દ્વારા અલગ અલગ રીક્ષાઓમાં ચાવી ભરાવી ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા અને જે રીક્ષા ચાવીથી ચાલુ થઈ જાય તેને ચોરી કરી અવાવરૂ જગ્યા પર રાખી દેતા હતા. તેમજ સમયાંતરે ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વહેંચી પૈસા મેળવતા હતા. જોકે રીક્ષા ચોરીના પર્ટ્સ વહેંચી કમાયેલા પૈસા મોજશોખમાં વાપરતા હોવાનું પણ સામે આવ્યું છે.
હાલતો પોલીસે રીક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આ ચોરીની ગેંગમાં અન્ય કોઈ આરોપી સંડવાયેલું છે કે કેમ તેમજ આ ચોર ગેંગ દ્વારા શહેરમાંથી અન્ય કેટલી રીક્ષાઓ ચોરી કરી છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.