ગાંધીનગર: આજની કેબિનેટની બેઠકમાં ચીનમાં સતત વધી રહેલા કોરોના મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના અપાઈ હતી. આજની કેબિનેટ બેઠકમાં કોરોના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના ભાવિ આયોજન વિશે મીડિયા સાથેના સંવાદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી-સંકલ્પપત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100 -100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(આયુષ્માન ભારત) નો બમણો લાભ
રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ. પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.


“મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ”(MMFDS)
મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આર્થિક સંકડામણ અનુભવતા રાજ્યના પ્રત્યેક નાગરિકોને આ સ્કીમ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન સેવાઓ આપવામાં આવે તે માટેની યોજનાનો સત્વરે પ્રારંભ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.


દેવભૂમિ દ્વારકા કોરિડોર
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દેવભૂમિ દ્વારા કોરિડોર સંદર્ભે અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, દેવભૂમિ દ્વારા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને 7મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિ પૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. તે માટેનું સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં સિનિયર સચિવશ્રીઓની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવનાર છે.


ફેમીલી કાર્ડ યોજના
મંત્રીએ ફેમીલી કાર્ડ યોજના સંદર્ભે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને મળતા સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ ફેમિલી કાર્ડ યોજનાના નવતર અભિગમ દ્વારા મળે તે માટેનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે


લોક સંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ મિકેનિઝમનું નિર્માણ
મંત્રીએ લોકસંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ મિકેનીઝમના નિર્માણ સંદર્ભે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં રાજ્યના નાગરિકોની ફરિયાદો, રજૂઆતોના ટેકલોનોલોજીના માધ્યમથી સંવાદ તથા માર્ગદર્શન દ્વારા નિવારણને આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી (SWAGAT) કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.


જેના માધ્યમથી રાજ્યના છેવાડાના માણસોની નાની-નાની સમસ્યાઓનું, વ્યક્તિલક્ષી-સામુહિકલક્ષી રજૂઆતોનું સ્થળ ઉપર નિવારણ કરવાના હેતુથી “સેવા સેતુ” અને “પ્રગતિ સેતુ” કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને પોલીસ અધિક્ષકઓ પખવાડિયાના ઘોરણે ફરિયાદોના નિવારણ માટે સ્થાનિક કક્ષાએ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરે અને ફરિયાદોનું ઝડપથી નિવારણ અને સચોટ ઉકેલ લાવે તેની નિયમિત સમીક્ષા કરે તે માટેનું સમગ્ર કાર્યક્રમ ફરીથી શરૂ કરવામાં આવશે.