અમદાવાદમાં મહિલા ડીવાયએસપીના ઘરમાં રૂપિયા 15 લાખની ચોરી
પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદઃ સામાન્ય રીતે ચોરીની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આ વખતે અમદાવાદમાં મહિલા ડીવાયએસપીના ઘરમાં ચોરીની ઘટના બની છે. મહિલા ડીવાયએસપીના ઘરમાં રૂપિયા 15 લાખની ચોરી થઈ છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ ભગીરથ હોમમાં રહેતા મહિલા ડીવાયએસપીના ઘરમાંથી ચોરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 15 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી પોલીસના ઘરમાં ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદમાં મહિલા ડીવાયએસપી ચેતનાબેને જણાવ્યું છે કે, અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રીજી બંગ્લોઝની ગલીમાં આવેલ ભગીરથ હોમ મકાન નં. 6માં મારૂ મકાન છે, હું જુનાગઢ નોકરી કરૂ છું. મારા આ ઘરમાં મારા માતા-પિતા રહે છે. જેમને હું તા. 27 જૂને સુરત મુકવા આવેલ, ત્યારબાદ હું ઘરને લોક મારી જૂનાગઢ ગઈ હતી, ત્યારથી મારૂ મકાન બંધ હતું. ત્યારે તા. 8 જુલાઈએ પાડોશીનો ફોન આવ્યો કે, તમારા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલુ છે, તો મે અમદાવાદ આવી ઘરમાં જોયું તો, મારા બેડરૂમનું સોકેસ અને મારા માતૃશ્રીના રૂમનો દરવાજો તોડી દાગીના અને રોકડ સહિત લગભગ કુલ 15 લાખની ચોરી થઈ છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, એક નાની ચાર તોલાની સોનાની ચેઈન, ચાર સોનાની લેડિઝ વીંટી, એક સોનાની પુરૂષ વીંટી, બે સોનાના સેટ, ચાર સોનાની બંગડી, સોનાની લગડી, બે સોનાના બ્રેસલેટ, બે સોનાની નોઝપીન, કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, એક ડાયમંડ બુટ્ટી, બે સોનાના હોમ લખેલા પેન્ડલ, બે જોડી ચાંદીના સાંકળા, ત્રણ ચાંદીના ગ્લાસ, ચાંદીની સાઈબાબાની મૂર્તી તથા થોડી રોકડ રહિત 15 લાખ 17 હજારનીની ચોરી થઈ છે.