અમદાવાદ : ટ્રાફિકના નવા કડક નિયમ આવ્યા બાદ આરટીઓ કચેરી પરનો ધમધમાટ વધી ગયો છે. લોકોને લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી લોકોને ઉભા રહેવું પડે છે. તેવામાં તહેવારની સિઝન નજીકમાં છે જ્યારે નવા નિયમો લાગુ થવાની તારીખ પણ નજીકમાં હોઇ લોકોમાં અવઢવ છે. ત્યારે દિવાળીના સમયમાં લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય તે માટે સરકાર દ્વારા વધારે એક લોકોપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા તમામ આરટીઓ કચેરીને આદેશ આપવામાં આવ્યો છે કે, લોકોની સહુલીયત માટે શનિ - રવિ દરમિયાન આરટીઓનું કામકાજ ચાલુ રાખવામાં આવશે. સરદાર જયંતીની રજા પણ રદ્દ કરીને આરટીઓ કચેરી ચાલુ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31મી ઓક્ટોબરથી વાહન વ્યવહારના નવા કાયદાઓ લાગુ થઇ રહ્યા છે. ત્યારે લોકોમાં ભારે ફફડાટ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિ-રવિ દરમિયાન કચેલી ચાલુ રાખીને કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ દ્વારા આ અંગે અગાઉથી જ સુચનાઓ આપી દેવામાં આવી હતી. જો કે હવે જાહેર રજા સરદાર પટેલ જયંતીએ પણ આરટીઓ કચેરી ખુલ્લી રહેશે. વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર અનુસાર 20/10/2019ને રવિવારે, 26/10/2019ને શનિવાર (ચોથો શનિવાર) તથા 31/10/2019ને સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી હોઇ રજા છે પરંતુ સાંપ્રત પરિસ્થિતીને ધ્યાને રાખીને રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ તથા એઆરટીઓની કામગીરી રાબેતામુજબ ચાલુ રહેશે.

આ ઉપરાંત દિવાળીથી ભાઇબીજ સુધી એટલે કે 27/10/2019 ને દિવાળી, 28/10/2019 ને નવુ વર્ષ, 29/10/2019 ભાઇબીજની જાહેર રજાએ આરટીઓ/એઆરટીઓ કચેરીમાં રજા રહેશે. તે સિવાયનાં તમામ દિવસો દરમિયાન કામરીગી રાબેતા મુજબ ચાલુ રહેશે. તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.