ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકો માટે સૌથી મોટા ખુશખબર; બદલીના નિયમો જાહેર, બે વર્ષથી માંગણીનો આવશે સુખદ અંત
ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નવા સત્ર પહેલા શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કરી દેવાનું આયોજન કરાયું છે. નવી ભરતીમાં જિલ્લા ફાળવણી પણ કરી દેવા માટે તૈયારીઓ આદરી છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્ર પહેલા શિક્ષકોની બદલી થશે. હાલ બદલીના નિયમોનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન અને શાળાઓ બંધ અથવા મર્જ થતા સમયે થતી બદલીનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે.
અત્રે નોધનીય છે કે, ગત એપ્રિલ 2022ના રોજ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં મામલો પહોંચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, હવે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યો છે.