આંદોલનની ઐસીતૈસી! રૂપાલા સાત લાખથી વધુની લીડ સાથે રાજકોટથી જીતશે, રાજ્યસભાના સાંસદનો દાવો
Loksabha Election 2024: રૂપાલાએ રાજકોટમાં પુરજોશમાં પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધું છે. રાજકોટમાં રૂપાલાએ ઘરે ઘરે અને દુકાને દુકાને જઈને પોતાના માટે મત માગ્યા. તેમની સાથે ભાજપના એ તમામ નેતાઓ પણ જોવા મળ્યા જેમની પર ક્ષત્રિય સમાજનું આંદોલન ભડકાવાના આક્ષેપ લાગ્યા હતા.
Loksabha Election 2024: સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો આકરો વિરોધ...ઠેર ઠેર આંદોલનો અને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. રાજપૂત સમાજે એક જ સ્વરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી પરંતુ તેમની માગણી પૂર્ણ ન જ થઈ. રાજકોટથી રૂપાલાને બદલવામાં ભાજપને જરા પણ રસ હોય તેમ લાગતું નથી. રૂપાલાએ રાજકોટમાં પુરજોશમાં પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધું છે. રાજકોટમાં રૂપાલાએ ઘરે ઘરે અને દુકાને દુકાને જઈને પોતાના માટે મત માગ્યા. તેમની સાથે ભાજપના એ તમામ નેતાઓ પણ જોવા મળ્યા જેમની પર ક્ષત્રિય સમાજનું આંદોલન ભડકાવાના આક્ષેપ લાગ્યા હતા.
- રાજકોટમાં રૂપાલાનો જોરશોરથી પ્રચાર
- ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાનો પ્રચાર
- ક્ષત્રિયોની માગ ભાજપે ન સ્વીકારી
- રૂપાલાનું ડૉર ટુ ડૉર પ્રચાર અભિયાન
રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા રૂપાલા બહુ લાંબા સમય પછી ચૂંટણી લડી રહ્યા છે. કારણ કે પ્રજા વચ્ચે જઈને મત તેમણે છેલ્લે 2002માં માગ્યા હતા પરંતુ તે સમયે લબરમૂછિયા પરેશ ધાનાણીએ તેમને હરાવી દીધા હતા. આ હાર પછી રૂપાલા પ્રજા પાસેથી મત માંગવાની કોઈ ચૂંટણીમાં ન ઉતર્યા. સંગઠનમાં જવાબદારીઓ સંભાળી ત્યારપછી રાજ્યસભાના માર્ગે દિલ્લી દરબારમાં પહોંચી કેન્દ્રમાં મંત્રી બન્યા. 22 વર્ષ પછી ફરી એકવાર તેઓ ચૂંટણીમાં ઉતર્યા છે.
લોકસભાના આ રણમાં તેમને ઉતરવું આસાન નથી રહ્યું. રાજા મહારાજા વિશે કરેલા તેમના એક નિવેદનથી એવો વિવાદ થયો કે મામલો ટિકિટ રદ કરવાની માગ સુધી પહોંચી ગયો છે. ક્ષત્રિય સમાજે આંદોલન કર્યા. ઠેર ઠેર આવેદનો આપી ટિકિટ કેન્સલ કરવાની માગ કરી પરંતુ ક્ષત્રિય સમાજની આ માગ ભાજપના હાઈકમાન્ડે ન સ્વીકારી અને આ બધાની વચ્ચે હવે રૂપાલાએ રાજકોટથી પોતાનો જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ઘરે ઘરે જઈને રૂપાલા પોતાના માટે મત માગી રહ્યા છે.
પરશોત્તમ રૂપાલા સાથે પ્રચારમાં રાજકોટ ભાજપના અનેક નેતાઓ પણ જોડાયા છે. એ નેતા પણ સામેલ છે જેમની સામે રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનને વેગ આપવાના આક્ષેપ લાગ્યા હતા...પરંતુ રૂપાલાના આ ડૉર ટુ ડૉર પ્રચારમાં તેઓ સાથે મળી ભાજપના પ્રચારમાં જોરશોરથી લાગેલા જોવા મળ્યા હતા. રૂપાલા સામે પ્રચારમાં સંઠગનના નેતાઓની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સહિત તમામ લોકો જોવા મળ્યા. સાંસદ મોકરિયાએ દાવો કર્યો કે રૂપાલા સાત લાખથી વધુની લીડ સાથે રાજકોટથી જીતશે.
- રૂપાલાનું જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ
- રૂપાલાએ ડૉર ટુ ડૉર શરૂ કર્યો પ્રચાર
- ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મત માગવા નીકળ્યા રૂપાલા
- ભાજપના તમામ નેતાઓ એક સાથે જોવા મળ્યા
- 7 લાખથી વધુ મતથી જીતનો કર્યો દાવો
- 2002 પછી રૂપાલાની પ્રજા વચ્ચે પહેલી ચૂંટણી
.રાજકોટ બેઠક ભાજપની ગઢ રહી છે. આ બેઠક પર કડવા અને લેઉવા પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. સાથે જ બિન અનામત વર્ગના પણ મોટી સંખ્યામાં મતદારો છે. આ તમામ મતદારો ભાજપની હાર્ડકોર વોટબેંક કહેવાય છે. મોહન કુંડારિયા છેલ્લી બે ટર્મથી સાંસદ છે. કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તો બેઠક રાજકીય ઈતિહાસમાં પણ ઘણી જ મહત્વપૂર્ણ છે. કારણ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાના જીવનની પહેલી ચૂંટણી તેઓ રાજકોટથી જ જીત્યા હતા. રાજકોટથી જ ધારાસભ્ય બની તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે જોવાનું રહેશે કે રાજકોટથી પ્રથમ વખત લડી રહેલા રૂપાલાનું શું થાય છે.