શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :લાખોમાં જ્વલ્લે જ જોવા મળે તેવા બાળકનો જન્મ સાબરકાંઠામાં થયો છે. સાબરકાંઠાના વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પેટથી જોડાયેલ બે બાળકો જન્મ્યા છે. પ્રથમ વખત શરીરથી જોડાયેલા બાળકને જોઈ તબીબોમાં કુતૂહલ સર્જાયુ હતું. 
 
થેરાસણાની મહિલાએ કોન જોઈન્ટ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. આ બંને બાળકો એકબીજા સાથે પેટથી જોડાયેલા છે. આ બાળકોના શરીરના કેટલાક અવયવો એકબીજા સાથે જોડાયેલા છે. જે સર્જરી બાદ છૂટા પાડી શકાય છે. પરંતુ આવા બાળકોના બચવાની શક્યતાઓ બહુ જ ઓછી હોય છે. મોટાભાગના કિસ્સામાં આવા બાળકો જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામે છે. ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ પ્રદીપ ગઢવીએ બાળકને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા ખસેડ્યા હતા. કોન જોઈન્ટ ટ્વીન્સ બાળકોને ખેડબ્રહ્માથી હિમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. 



 
કોન જોઈન્ટ ટ્વીન્સ બાળકોને હિમતનગરથી અમદાવાદ સર્જરી માટે તબીબો દ્વારા સૂચના અપાઈ હતી. પરંતુ કોન જોઈન્ટ ટ્વીન્સ બાળકોને સર્જરી માટે લઇ જવાની પરિવારજનોએ અનિચ્છા દર્શાવી છે. તેથી માતા-પિતા કોન જોઈન્ટ ટ્વીન્સ બાળકોને હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે લઈ ગયા છે.