ઉદય રંજન/અમદાવાદ :સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું ગઈકાલે મોડી સાંજે હાર્ટ એટેકથી નિધન થયું છે. મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર આજે સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મહારાજા જયશિવ સિંહની અંતિમયાત્રા પહેલા સાણંદ સ્ટેટના કુંવર જયશિવસિંહના પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું હતું. દરબારગઢમાં સાણંદના રાજવી પરિવારના આરાધ્ય દેવી મહાકાળી માતાજીના સાનિધ્યમાં પરિવારના લોકો દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાજતિલકની વિધિ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજતિલકની  વિધિ બાદ મહારાજા જયરાજસિંહના નશ્વર દેહને અંતિમ દર્શન માટે દરબારગઢના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ દર્શન બાદ દરબાર ગઢથી અંતિમયાત્રા સાણંદના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાજવી પરિવારના સ્મશાને પહોંચી હતી. જ્યાં અનેક રજવાડાના રાજવી પરિવારના સદસ્યો જોડાયા હતા. ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનું પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમાર અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. નેક નામદાર ઠાકોર સાહેબ જયશિવ સિંહના અવસાનના શોકમાં સાણંદની તમામ બજારો બંધ રહી હતી. સાણંદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સ્વ. જયશિવ સિંહની અંતિમ યાત્રામાં જોડાયા હતા. 


આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એવું તો શું રંધાયું કે 4 સિનિયર તબીબોએ એકસાથે રાજીનામા આપ્યા?


મહારાજાની લાઈફ સ્ટોરી 
મહારાજા જયશિવ સિંહનું બાળપણ માઉન્ટ આબુમાં વિત્યું હતું. તેમનો પ્રાથમિક સુધીનો અભ્યાસ માઉન્ટ આબુમાં જ થયો હતો. માઉન્ટ આબુથી કિશોર અવસ્થામાં તેઓ રાજકોટ ગયા હતા. કોલેજનો અભ્યાસ અજમેરની મેયો કોલેજમાં કર્યો હતો. તેઓ શોર્ટ ગન શૂટિંગમાં નેશનલ ચેમ્પિયન ઈન જુનિયર રહી ચૂક્યા છે. તો જુનિયર શોર્ટ ગન શૂટિંગમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 


દિવંગત મહારાજા જયશિવ સિંહને બે સંતાનો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ એન્ટિક ચીજવસ્તુઓનો શોખ ધરાવતા હતા. તેઓ એરો મોડલિંગનો શોખ પણ ધરાવતા હતા. તેમજ બાઇક રેસિંગનો પણ શોખ ધરાવતા હતા. તેઓ પારંપરિક સંગીતનો શોખ અને જાણકારી ધરાવતા હતા. તેમણે દાદા જયવંતસિંહજી શાસ્ત્રીય સંગીતના વારસાને આગળ વધાર્યો હતો. 


આ પણ વાંચો : આટલો ક્રુર તો રાક્ષસ પણ નથી હોતો : ડાકણનો વહેમ રાખી પતિએ પત્નીને મારી, બાદમાં 3 માસુમોને ડેમના પાણીમાં ડૂબાડી દીધા


સાણંદનો રાજવી પરિવાર મહાકાળી માતાજીના ઉપાસક છે. મહારાજા જયશિવ સિંહજી પણ મહાકાળીના ઉપાસક હતા. છેલ્લા 700 વર્ષથી સાણંદના દરબારગઢમાં મહાકાળી માતાજીની અખંડ જ્યોત છે. મહારાજા જયશિવ સિંહજી આજીવન જાહેર જીવનમાં રહ્યા હતા. મહારાજના નિધનથી રાજવી પરિવારમાં ઘેરા શોક વ્યાપ્યો છે.