વૃદ્ધ માતાપિતાની સંપત્તિ હડપ કરી લેતા કળયુગી પુત્રને કોર્ટનું ફરમાન, માતાની 5 એકર જમીન પરત કરો
Court Judgement : માતાની 5 એકર જમીન હડપી લેતા પુત્રને સબક... માતા-પિતાની મિલકત પચાવી પાડવાની દાનત રાખતા સંતાનોની આંખ ખૂલતો ચુકાદો રાજકોટ ગ્રામ્ય કોર્ટે આપ્યો
Court Judgement દિવ્યેશ જોશી/રાજકોટ : વયોવૃદ્ધ માતા-પિતાની મિલકત પચાવી પાડવાની દાનર રાખતા સંતાનોની આંખ ખૂલતો ચુકાદો રાજકોટ ગ્રામ્ય કોર્ટે આપ્યો છે. રાજકોટના ખંઢેરી ગામના રાઈબેન સોનારાએ પેટના જણ્યા પુત્ર સામે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીએ વિધવા વૃદ્ધાને મકાન અને 5 એકર જમીન પરત આપવાનો ઠરાવ કર્યો છે. સાથે જ માતાને પ્રતિ માસ 8 હજાર ભરણપોષણ ચૂકવવા પણ આદેશ કર્યો છે. એક વર્ષથી ભટકતું અને ઓશિયાળુ જીવન જીવતા માતા માટે આ ચુકાદો રાહતરૂપ છે. સાથે જ સિનિયર સિટીઝન ભરણપોષણ કાયદા 2007 અંતર્ગત આ આદેશ કરાયો છે. કલમ 23(1) હેઠળ ચુકાદો આપવામાં આવ્યો.
માતાએ મહેતન કરીને સંતાનોને મોટા કર્યા
વયોવૃદ્ધ માતા-પિતાની સંપત્તિ હડપ કરી તરછોડી દેનારા કળિયુગી પુત્રો માટે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીએ દાખલ રૂપ ચુકાદો આપ્યો છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિવેક ટાંકે વયોવૃદ્ધ માતાને મકાન અને 5 એકર જમીન પરત સોંપવાનો ચુકાદો કર્યો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, ખંઢેરી ગામે કાનાભાઈ આહીરનો પુત્ર વિક્રમ ગામમાં મકાન અને 5 એકરથી વધુ જમીન ધરાવે છે, આ જમીન તેની કમાણીની નહિ પણ માતાએ આપેલી છે. માતા રાઈબેન કાનાભાઈ સોનારા ઘણા વર્ષો પહેલાં જ વિધવા થયા હતા અને સંતાનોને મોટા કરી પોતાની જવાબદારી નિભાવી હતી.
આ પણ વાંચો :
Big Breaking : હવે પેપરલીક પર કાયદો બનશે, લેવાયો મોટો નિર્ણય, લીક કરનારને થશે દંડ
પેપર ફોડનાર જ નહિ, પેપર ખરીદનાર અને પરીક્ષામાં ચોરી કરનાર પણ દંડાશે
જમીન મળ્યા બાદ પોત પ્રકાશ્યું
પતિના અવસાન બાદ મોટા પુત્રનું અવસાન થયું હતું. આ કારણે નાનો પુત્ર હવે તેની સેવા કરશે તેવી આશાએ તેમના નામે રહેલી 5 એકરથી વધુની જમીનમાંથી હક્ક જતો કરી પુત્રના નામે કરી દીધી હતી. પુત્ર વિક્રમે જમીન મેળવ્યા બાદ પોત પ્રકાશ્યું હતું. જોકે પુત્રના નામે મકાન અને જમીન થઈ જતા માતાને તરછોડી દીધા હતા. છેલ્લે મકાન વેચી નાખવા માતાને ઘરેથી કાઢી મૂકી હતી. વૃદ્ધા પોતાની દીકરીઓના ઘરે જઈને દિવસો વિતાવતા હતા પણ તેમને ભરણપોષણ અને કલ્યાણ કાયદાની સમજ અપાતા ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં અરજી કરી હતી. જેને લઈને પ્રાંત અધિકારી વિવેક ટાંકે વિક્રમને બોલાવી માતાને સાચવવા સમજાવ્યો હતો અથવા તો ભરણપોષણનું કહ્યું હતું પણ કપૂત વિક્રમે એવું કહ્યું કે, તે માતાને સાચવી શકે તેટલો સમક્ષ જ નથી!
આખરે સુનાવણી ચાલુ થઈ પણ વિક્રમ હાજર જ ન રહ્યો, વોરંટ કાઢવા પડ્યા હતા. છેવટે સંપત્તિ વિધવાના નામે કરી આઠ હજાર ભરણપોષણ ચૂકવવા હુકમ કરાયો છે. તો બીજી તરફ પ્રાંત અધિકારીના આ હુકમને કાયદાકીય રીતે પડકારવા વિક્રમ સોનારાએ ચીમકી આપી છે. કપૂત પુત્ર વિક્રમ સોનારાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મારી માતા મારી ભાભીનું કહ્યું કરે છે. ઘર ઘરની મેટર હતી, પરંતુ મારી માતાના ભાઈના દીકરા તેને ચડાવતા હોવાથી માતા જતા રહ્યા હતા. મેં મારી માતાને 7.5 લાખ ખોરાકીના આપ્યા હતા. 4 લાખ બેન્કમાંથી પણ ઉપાડી આપ્યા છે. મારા માતાને હજુ રૂપિયા જ જોઈ છે. મારી માતાના ભત્રીજાઓ દ્વારા મારા પર 3 થી 4 વખત હુમલો પણ કરાવ્યો છે. જેનો કેસ ચાલે છે. જે મકાનનો હુકમ કર્યો છે તે વેચી દેવામાં આવ્યું છે. જ્યારે પ્રાંત અધિકારીના હુકમ સામે કાયદાકીય લડત લડીશ.
આ પણ વાંચો :
નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત
બાળકને પીટનાર આયાને કોર્ટે સંભળાવી સજા, કહ્યું-આવી કેરટેકર સોસાયટી માટે ખતરો સમાન