રઘુવીર મકવાણા/બોટાદ :પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કોંગ્રેસે ઝોનવાઈઝ મીટિંગો શરૂ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટ ખાતે એકઠા કરાયા હતા. ત્યારે હવે કોંગ્રેસ બેડામાં મોટી હલચલ થઈ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને આજે ગઢડા લઈ જવામાં આવ્યા છે. ત્યારે આ ગ્રૂપમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા પહોંચે તે પહેલાં જ ગઢડા પોલીસનો કાફલો ગઢડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યો છે. ગઢડા પોલીસ, એલ.સી.બી તેમજ એસ.ઓ.જી. સહિતનો કાફલો ગઢડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં એસ.પી. હર્ષદ મહેતા પણ ગઢડા પહોંચે તેવી શક્યતા છે. હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય અમરીશ ડેર ગઢડા પહોંચ્યા છે. તો બાકીના ધારાસભ્યો ગઢડા જલ્દી જ પહોંચે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, હાર્દિક પટેલ પણ ગઢડા પહોંચશે. કોંગ્રેસના સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતાઓ ગઢડામાં શું કરશે તે મામલે મગનું નામ મરી પાડતા નથી. પરંતુ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, તમામ ધારાસભ્યો અને નેતાઓ બેઠક યોજશે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારું રાજીનામુ આપવાના મામલે સ્થાનિક રાજકારણીઓ સાથે ચર્ચાવિચારણા કરશે.  


શનિવારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના નીલસીટી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધારાસભ્યો હાજર ન રહેતા આજ સાંજ સુધીમાં તમામ ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની સંભાવના હતી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના 3 જેટલા ધારાસભ્યો હાજર રહ્યાં ન હતાં. અમરીશ ડેર, પુંજા વંશ અને વિક્રમ માડમ શનિવારે બેઠકમાં હાજરી આપીને જતા રહ્યાં હતાં. આ સાથે જ અમરીશ ડેરને તો ઓફર પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.