ગુજરાતના આ પ્રદેશમાં બનતો મસાલા ગોળ ખાશો તો મોહનથાળ ભૂલી જશો, દેશવિદેશમા છે ડિમાન્ડ
Jaggery Production In Gujarat : દેશવિદેશમાં ગુજરાતના કોટડા સાંગાણીમાં બનતા ગોળની ડિમાન્ડ છે... અહીંનો દેશી ગોળ એટલે સ્વર્ગથી લાવેલું અમૃત સમજો...
Gujarat Farmers જયેશ ભોજાણી/ગોંડલ : આજના સમયમાં ખેડૂતો માત્ર ખેતી જ નથી કરતા, પણ સાથે સાથે પોતાની સૂઝબૂઝથી વિવિધ સીઝનના પાક તૈયાર કરી લાખોની કમાણી પણ કરે છે. આજે સૌ કોઈ મિલાવટ વગર કે શુદ્ધ અને સાત્વિક જ ખાવું પસંદ કરે છે. ત્યારે કોટડા સાંગાણીના પ્રગતિશીલ ખેડૂતો દેશી ગોળનું ઉત્પાદન કરી ફાયદો મેળવી રહ્યાં છે. અહીંના ખેડૂતો દ્વારા શિયાળુ પાકમાં શેરડીનું વાવેતર કરી દેશી ગોળનું ઉત્પાદન કરે છે અને મબલખ ફાયદો મેળવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કોટડા સાંગાણી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ આ દેશી ગોળનું ઉત્પાદન વધુ જોવા મળે છે. કારણ કે અહીંની જમીનમાં શેરડીની કુદરતી મીઠાસ જોવા મળે છે
ગોળ શબ્દ બોલતાં જ મોઢામાં મીઠાશ પથરાઈ જાય છે. માર્કેટમાં મળતા ગોળ અને ખેતીમાં ઓર્ગેનિક ઢબે કેમિકલ કે કોઈપણ જાતના મિલાવટ વગર તૈયાર કરાયેલ ગોળમાં ખુબ જ મોટો ફરક હોય છે. ભાવની દ્રષ્ટિએ ઝાઝો ફરક નથી, પરંતુ દેશી ગોળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે.
ગોળ ખરીદવા આવતા ગ્રાહકોને શેરડીનો રસ આપી વેલકમ કરાય છે
રાજકોટ-ગોંડલ વચ્ચે આવેલ કોટડા સાંગાણી ગામે જાઓ એટલે અનેક દેશી ગોળના ફાર્મ હાઉસ જોવા મળે છે. ખરીદદાર જયારે ગોળ ખરીદવા જાય છે, ત્યારે સૌ પ્રથમ તો તેમને ભરપેટ ધરતીનું અમૃત એટલે કે શેરડીનો તાજો રસ પીવડાવે છે અને પછી દેશી ગોળ તૈયાર થતો હોઈ તેમની પ્રક્રિયા જોઈ ગ્રાહકોને પણ પસંદ પડે છે.
આ પંથકમાં સીઝનમાં લગભગ 5 થી 6 જગ્યાએ 12 થી 15 હજાર મણ જેટલા ગોળનું ઉત્પાદન થાય છે, દેશી ગોળ જે ઘણા સમય સુધી પણ શુદ્ધ જ રહે છે. બને ત્યાં સુધી ભેજવાળા વાતાવરણથી દૂર રાખવું. અહીંના ગોળના ઉત્પાદકો પોતાની જ શેરડી વાપરતાં હોય છે. ખાસ પોતે જ ઉત્પાદન કરી દેશી ગોળ બનાવે છે. આ ગોળની દેશ વિદેશમાં ડિમાન્ડ છે, લોકો અહીંનો ગોળ લઇ જાય છે.
સોજીત્રાના ખેડૂત ધર્મેશભાઈ કહે છે કે, અમે અહીં ગોળ ખરીદવા આવતા લોકોને લાઈવ જોઈ શકે તે રીતે ગરમા ગરમ ગોળ તૈયાર કરી આપીએ છીએ અને એક વખત દેશી ગોળ ખવડાવીએ છીએ. જેથી લોકો વારંવાર અહીં લેવા માટે આવે છે. દેશી ગોળમાં કોઈ જ પ્રકારનું મિલાવટ જેમકે કલર - કેમિકલ કે કોઈ પણ જાતની દવા કે કોઈ પણ જાતની મિલાવટ કરવામાં નથી આવતી, જેથી તે સ્વાદમાં ખુબજ મીઠો હોય છે.
તો અન્ય ખેડૂત જગદીપભાઈએ કહ્યું કે, અમે 100 વીઘામાંથી 45 વીઘામાં શેરડી વાવી દેશી ગોળનું ઉત્પાદન કરીએ છીએ. લગભગ 5 દાયકાથી વધુ સમયથી દેશી ગોળનું ઉત્પાદન કરીએ છીએ. પહેલા દેશી ગોળની માંગ ખૂબ જ ઓછી હતી, તેથી તેમની માર્કેટમાં કે પીઠુંમાં વેચવા મૂકવો પડતો હતો. જેમ જેમ લોકો ઓર્ગેનિક - શુદ્ધ કે દેશી તરફ વળતા થયા લોકો ગોળ લેવા માટે પડાપડી કરતા હોય છે. ઠેર ઠેરથી લોકો મોટા જથ્થામાં દેશી ગોળ લઇ જાય છે.
છેક મુંબઈથી લોકો દેશી ગોળ લેવા આવે છે
દેશી ગોળ આરોગ્યવર્ધક હોઈ અને સાથે મેટ્રો શહેરોમાં સાત્વિકતા અને શુદ્ધતાને લઇ દેશી ગોળ વધુ પસંદ કરે છે. ખાસ કરીને રાજાઓના દિવસોમાં લોકો અહીં વધુ પ્રમાણમાં આવે છે અને 50-60 કે 100 કિલો સુધીનો બલ્કમાં એક સાથે ઓર્ડર આપે છે અને પરિવાર માટે ખરીદીને લઈ જાય છે.
હું દર વર્ષે સીઝનમાં સ્વજનો-મિત્રો માટે દેશી ગોળ લઇ જાવ છું
જામનગરથી આવેલા ગિરીશ બારૈયા કહે છે કે, હું છેલ્લા 10-12 વર્ષોથી અહીં દેશી ગોળ લેવા આવું છે મને મિત્રો દ્વારા માલુમ થયું હતું કે કોટડા સાંગાણીમાં દેશી ગોળ મળે છે. તેથી હું જ્યારે ખરીદવા આવ્યો આને દેશી ગોળના ફાયદા અને પ્રક્રિયા વિશે જાણ્યું. મને ખુબજ પસંદ પડ્યું. હું દર વર્ષે સાગા અને મિત્રો સર્કલ માટે 80 થી 90 કિલો ગોળ લઇ જાવ છું.
મસાલા ગોળ ખાશો તો મોહનથાળ ભૂલી જશો
દેશી ગોળની પ્રક્રિયા દરમ્યાન સ્વાદના શોખીનો તેમાં મસાલા મિશ્રીત ગોળ પણ લેવાનો આગ્રહ રક્ત હોઈ છે. શુદ્ધ ઘી - જાયફળ - બદામ સહીતના વિવિધ મસાલા થી મિશ્રિત કરેલ દેશી ગોળ આપણને મોહનથાળનો સંવાદ પણ ભૂલવાડી દેશે.