કેતન બગડા/અમરેલી :છેલ્લા 60 વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતુ ઇંગોરીયાનુ યુદ્ધ અતિ રોમાંચક હોય છે. જે માટે સાવરકુંડલાના ફટાકડા શોખીનો એક માસ પહેલેથી જ ઇંગોરીયા બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. દેશમાં ગ્રીન ફટાકડાની વાતો વચ્ચે અને આખા દેશની જાણ બહાર અમરેલીના સાવરકુંડલામાં તો છેલ્લાં પચાસ વર્ષોથી જ હર્બલ ફટાકડા ફોડવામાં આવે છે. ત્યારે જોઇએ કે, શું છે ઈંગોરીયા અને કેવી ચાલી રહી છે ઇંગોરીયા અને કોકાડા બનાવવાની તૈયારીઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષો જૂની પ્રથા છે ઈંગોરીયા યુદ્ધ
ઈંગોરીયા બનાવનાર વેપારી ભરતભાઈ દિવેચા કહે છે કે, સાવરકુંડલામાં આ અતિ રોમાંચક અને સાવ નિર્દોષભાવે રમાતું ફટાકડાનું યુદ્ધ છે. જેને નિહાળવા માટે સાવરકુંડલાના દરેક ઘરે મહેમાનો આવી જતા હોય છે. હવે તો વિદેશોમાં તેની ખ્યાતિ ફેલાતા વિદેશી મહેમાનો પણ સાવરકુંડલામાં અડિંગો જમાવીને બેસતા હોય છે. સાવરકુંડલામાં આ પ્રથા છેલ્લાં 60 વર્ષોથી નિભાવાય છે. જેમાં શહેરીજનો ઉત્સાહથી ભાગ લેતા હોય છે. અગાઉ અહી સાવર અને કુંડલા એમ બે અલગ અલગ ગામ હતા. અને વચ્ચેથી નાવલી નદી પસાર થાય છે. બંને ગામના લોકો વચ્ચે ઇંગોરીયા દારૂગોળો ભરી સળગતા ઇંગોરીયા એકબીજા સામે ફેંકવામા આવે છે. આ ઇંગોરીયા રોકેટની જેમ સામાપક્ષમા જઇ અફડાતફડી મચાવે છે. અને લોકો તેનો રોમાંચ ઉઠાવે છે. આ નિર્દોષ લડાઇથી કોઇ દાઝતુ નથી અને રોકેટ જેમ છનનન કરતુ આવતા ઇંગોરીયા કે કોકડાનો અવકાશી નજારો નહિ પણ ધરતીનો અદભુત નજારો નિહાળી દર્શકો અભિભૂત થઇ જાય છે.



કેવી રીતે બનાવાય છે ઈંગોરીયા 
ઈંગોરીયા એ એક પ્રકારનો છોડ છે. જેમા ચીકુ જેવુ થતુ ફળ તેને ઇંગોરીયુ કહેવાય છે. તેને તોડીને સુકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરીયામાં દારૂખાનુ ભરવામા આવે છે. આ દારૂખાનુ કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભુક્કો કરાય છે. તેમા ગંધક, સુરોખાર ભેળવી આ દારૂખાનુ તૈયાર કરવામા આવે છે. આ દારૂખાનુ તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રીલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરીયામાં દારૂખાનુ ભરવામા આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ઠબકારી ખીચોખીચ ભરવામા આવે છે. બસ તૈયાર છે લડાઇ માટેના ઇંગોરીયા. 


સમય બદલાયો, ઈંગોરીયાનો પ્રકાર પણ બદલાયો
છેલ્લા થોડા વર્ષથી ઈંગોરીયાના વૃક્ષોનો નાશ થઇ રહ્યો હોય તેનુ સ્થાન હવે દરજી ને દોરાની મોટી સાઇઝની કોકડીએ લીધુ છે. હાલ ઘણા લોકો ઈંગોરિયા બનાવતા નથી. પાંચથી સાત રૂપિયે કોકડા અને દસથી પંદર રૂપિયે ઈંગોરિયા વેચાય પણ છે. દરજી ને દોરાની મોટી સાઇઝની કોકડીને બંન્ને બાજુ ડેમના કાચા પત્થરની માટીની પેક કરવામા આવે છે. ત્યાર બાદ કોકડાને વચ્ચે ડ્રીલથી હોલ પાડી તેમા પણ પત્થરની માટીની ડટ્ટી મારવામા આવે છે અને તૈયાર થાય છે. 



આર્યુર્વેદમાં ઈંગોરીયા અતિગુણકારી છે
ઈંગોરીયાના જાણકાર સંજય ચોટલીયાનું કહેવુ છે કે, ઈંગોરીયા એટલે નેચરલ બાથિંગ સાબુ. પહેલાના સમયમાં નવજાત શિશુ અને નાના બાળકોને ઈંગોરિયાથી નવડાવવામાં આવતા તા. કારણ કે, તેમાં અદભૂત એન્ટી-બેક્ટેરીયલ તત્વો રહેલા છે. પ્રાચીન સમયમાં જ્યારે કોસ્મેટિક્સ ક્રીમ ન હતા, ત્યારે ઈંગોરીયા એકમાત્ર સૌંદર્યવર્ધક વિકલ્પ તો. ઈગોરીયા શરીરના વાનને ઉજળો કરે છે. ઈંગોરીયાના ગોઠલાના ગરમાંથી ઈગુંદી નામનું તેલ બનાવાય છે, જે દાઝ્યા પર લગાવવામાં આવે છે. આ તેલ કોઈ પણ અન્ય બર્નિંગ ક્રીમ કરતા વધુ અસરકારક રીતે કામ કરે છે. 


હાલ ઈંગોરીયાની તૈયારીઓ જોતા સાવરકુંડલા ગુજરાતનું શિવાકાશી બન્યુ છે અને આ નિર્દોષ રમતને નિહાળવી એ એક અમૂલ્ય તક છે. સમગ્ર ભરતમાં જ ઈંગોરીયાની રમત રમવામાં આવે છે. ઈંગોરીયા અને કોકડી ભરવા માટે સાવરકુંડલાના યુવાનો ત્રણ થી ચાર મહિના અગાઉ મહેનત શરૂ કરી દે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :