ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 10 ઓકટોબરથી 17 ઓકટોબર, 2018 દરમિયાન નવરાત્રી વેકેશનની જાહેરાત કરી હતી. જેની સામે રાજ્યના અમદાવાદ, સુરત સહિતના કેટલાક શહેરોની ખાનગી શાળાઓએ નવરાત્રી દરમિયાન વેકેશન ન પાડવાની અને શાળાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આથી, શનિવારે રાજ્યના શિક્ષણ વિભાગે સ્પષ્ટતા જાહેર કરવી પડી છે કે, ગુજરાત બોર્ડ સિવાયના CBSE કે અન્ય બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓ નવરાત્રી અને દિવાળી વેકેશન અંગેનો નિર્ણય પોતાની રીતે લઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ વિભાગે શનિવારે પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, રાજયમાં આવેલી સી.બી.એસ.સી. તેમજ ગુજરાત રાજય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે 10 ઓકટોબરથી 17 ઓકટોબર,2018 દરમિયાન નવરાત્રી વેકેશન અને ત્યાર બાદ આવતા મહિને 5 નવેમ્બરથી 18 નવેમ્બર, 2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવા અંગેની શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે. 


એટલે કે, આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી/દિવાળી વેકેશનની તારીખો નક્કી કરી શકશે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજયવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે સુરત શહેરની 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોની એક બેઠક મળી હતી અને તેમણે સર્વસંમતિ સાથે નવરાત્રી દરમિયાન શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. અગાઉ અમદાવાદ શહેરમાં પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને નવરાત્રીનું વેકેશન ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.