સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતે જાહેર કર્યું લોકડાઉન
- ઉદ્યોગકારોએ શ્રમિકોને કહ્યું કે, લોકડાઉન નથી, માત્ર સ્વયંભૂ બંધ પાળ્યો છે. તેથી શ્રમિકો ગભરાય નહિ
- રાજકોટમાં સોની બજાર આજથી ત્રણ દિવસ રવિવાર સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા સોની વેપારીઓએ આ નિર્ણય કર્યો
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈને ઉદ્યોગોમાં આજથી બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ઓદ્યોગિક વસાહતમાં બે દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ સુધી ઉદ્યોગો બંધ રહેશે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ, મેટોડા જીઆઇડીસી અને આજી જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો બંધ રહેશે. સૌરાષ્ટ્રના અંદાજિત 5 હજાર ઉદ્યોગો બે દિવસ માટે બંધ રહેશે. શાપર વેરાવળ, મેટોડા, આજી સહિતની મોટી જીઆઇડીસી એસોસિએશન આ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. રાજકોટ એન્જિનિયરીગ એસોસિએશનને પણ તેને ટેકો જાહેર કર્યો.
આ પણ વાંચો : કોરોના થયાના 60 દિવસ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી કોવિશિલ્ડ વેક્સીન
લોકડાઉન નથી, માત્ર સ્વયંભૂ બંધ પાળ્યો છે. તેથી શ્રમિકો ગભરાય નહિ
કોરોનાનો કહેર વધતા સૌરાષ્ટ્રની સોથી મોટી ઔદ્યોગિક વસાહતો બે દિવસ સ્વૈચ્છીક બંધ પાળી રહી છે. આ વિશે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ચેરમેન રમેશ ટીલારાએ આ વિશે જણાવ્યુ કે, બે દિવસ સ્વૈચ્છિક બંધ રાખી કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરપ્રાંતીય શ્રમિકોને પણ વેક્સીન આપવામાં આવશે. આ દરમિયાન શ્રમિકોને પોતાના વતન જતા અટકાવી પગાર પણ ચૂકવવામાં આવશે. ઓક્સિજનના સિલિન્ડરનું વિતરણ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. લોકડાઉન થવાનું નથી, માત્ર સ્વયંભૂ બંધ પાડ્યું છે. તેથી શ્રમિકો ગભરાય નહિ. સર્જિકલના સાધનો, ઓક્સિજન કીટ સહિતની સુવિધા વિકસાવવા ઉદ્યોગકારો તૈયાર છે, સરકાર માત્ર મંજૂરી આપે.
આ પણ વાંચો : આફત પર આફત : ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં નવી બીમારીએ એન્ટ્રી લીધી
રાજકોટમાં સોની બજાર આજથી ત્રણ દિવસ બંધ
તો બીજી તરફ, રાજકોટમાં સોની બજાર આજથી ત્રણ દિવસ રવિવાર સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા સોની વેપારીઓએ આ નિર્ણય કર્યો છે. જૂની સોની બજાર અને પેલેસ રોડ સોની બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. કોરોનાના સંક્રમણની ચેઇન તોડવાનો ઝવેરીઓનો પ્રયાસ છે. બંગાળી કારીગરો પણ પોતાના વતન પરત જવા લાગ્યા છે. તેથી 300 કરતા વધુ દુકાનો સોની બજારના બંધમાં જોડાઈ છે. રાજકોટની સોની બજાર અને સોનાની ઘડાઈના સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. આવામાં માર્કેટ પર મોટી અસર પડશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, ગઈકાલથી શરૂ થઈ એપ્લિકેશન પ્રોસેસ
સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 2231 કેસ નોંધાયા છે. તો 182 દર્દીઓના મોત થયા છે. રાજકોટ બાદ જામનગર અને મોરબીમાં સૌથી વધુ સંક્રમણ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 850 પોઝિટિવ કેસ છે. તો જામનગર શહેરમાં અને ગ્રામ્યમાં 483 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં 74 પોઝિટિવ કેસ નોંધાયા છે.