ગાંધીનગરઃ કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા 14 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વીજળી બિલ માફ કરવાનો પણ નિર્ણય લીધો છે. 100 યુનિટ વીજબિલ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી    વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતીમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતી ઉદભવી છે તેમાંથી જનજીવન, વેપાર-ધંધા રોજગાર ઊદ્યોગ પૂન: ધબકતા કરવા રાજ્ય સરકાર ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. 
        
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ    ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો. 
        
આ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સમાજજીવનના આગેવાનો, ઊદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજવર્ગોના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો કરી હતી તેની ફલશ્રુતિ રૂપે આ પેકેજ જાહેર કરાયું છે એમ તેમણે ઉમેર્યુ હતું.
        
મુખ્યમંત્રી  એ નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલ તથા મંત્રી  ઓ સર્વ   ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં આ પેકેજની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પેકેજ સમાજના કોઇ એકલ-દોકલ વર્ગ કે વ્યકિતઓને નહિ પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઊદ્યોગ, ધંધા રોજગાર સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે બનાવવામાં આવેલું ‘સબ સમાજકો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’ની ભદ્ર ભાવનાવાળું પેકેજ છે. 


મુખ્યમંત્રી  એ જાહેર કરેલા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો આ મુજબ છે. 


પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂ. ૨૩૦૦ કરોડ) 
 વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના  અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.


માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે.  


અંદાજે ૩૩ લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. ૨૦૦ કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે.


આ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના ફિકસ ચાર્જિસનું રૂ. ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.
    
વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી. 
        
આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના ૩૦ લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૦ કરોડની આર્થિક રાહત આપવામાં આવશે. 
        
લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીના ૬ મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત ૬૩ હજાર વાહન ધારકોને રૂ. ૨૨૧ કરોડની રોડ ટેક્ષ માફી મળશે. 
        
આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.

ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી (રૂ.૩,૦૩૮ કરોડ)
        
રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.
        
રાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. ૪૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે. 
        
કોવિડ-૧૯ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.૧૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.
        
રાજ્યના ૩૨૦૦ કરતા વધુ વેપારીઓને રૂ.૧,૨૦૦ કરોડનું પડતર વેટ અને GST રિફંડ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં  ભીડમાંથી રાહત મળશે.  
        
રાજ્યના ૨૭ હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.૧૯૦ કરોડની સબસીડીની રકમ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે.
        
સોલાર રુફ ટોપ યોજના હેઠળની ૬૫૦૦૦ કુટુંબો માટેની રુા. ૧૯૦ કરોડની સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.
        
ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.૯૦ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.

વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતાઃ
        
ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ અને તા.૦૧.૦૪.૨૦૧૭થી તા.૩૦.૦૬.૨૦૧૭ સુધીની આકારણીની કામગીરીમાં રૂા.૧૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજ્ય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે. 
    
આ પગલાંથી એક લાખથી વધુ કરદાતાઓને લાભ થશે. પરંતુ અન્વેષણના કેસો, બોગસ બિલિંગના કેસો, વેરાશાખમાં વિસંગતતા હોય તેવા કેસો, રિફંડનાં કેસો, જે કિસ્સાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપસ્થિત થયું હોય તેવા અને જે કિસ્સામાં મોટી રકમની વેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તેવા તમામ કેસોમાં નિયમિત આકારણી હાથ ધરાશે.
        
વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે ૨૬ હજાર વેપારીઓને લાભ મળશે. વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.

ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉોદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા (રૂ. ૪૫૮.૫૯ કરોડ)
        
જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત,  ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા ૧૩૩ કરોડની રાહત મળશે.
        
જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત ૧૫૩૧૫ ઉદ્યોગકારોને રૂ.૯૫ કરોડની રાહત મળશે. 
        
જી.આઇ.ડી.સી. દ્વારા પ્રતિ વર્ષ ૨ ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી  અંદાજે રૂ.૬૦ કરોડની રાહત આપવામાં આવશે. જેનો ૩૭૩૩ ઉદ્યોગકારોને લાભ મળશે.
        
જીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે.  વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી ૧૫ ટકાના સ્થાને ૧૦ ટકા વસુલવામાં આવશે. જે અન્વયે ૧૯૯૧ ઉદ્યોગકારોને રૂ. ૪૦.૪૨ કરોડનો લાભ મળશે. 
        
જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે.  વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. ૨૬.૮૦ કરોડની રાહત મળશે. જી.આઈ.ડી.સી. દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા ૧૪.૩૦ કરોડની રાહત મળશે. જેનાથી ૩૧૦૦ ઉદ્યોગકારોને લાભ  થશે.
        
લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી વધારી આપવામાં આવશે. જેનાથી ૫૧૮ ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.૩.૩૧ કરોડની રાહતનો લાભ મળશે. 
        
વર્ષ ૨૦૨૦-૨૧ માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી  ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. ૩૮.૯૮ કરોડની રાહત મળશે.            વધુમાં, આ નિર્ણયથી જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.૨૧.૪૫ કરોડની રાહત મળશે. જેના થકી ૨૭૦૦ ઉદ્યોગકારોને લાભ મળશે.
        
આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે. જેનાથી ૭૨૭ ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.૧૬.૧૨ કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.  
        
ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ ૨૦૨૦ના  પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.૧.૩૨ કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. ૦.૫૨ કરોડ થાય છે, જેનો લાભ ૧૯૨૬૭ ઉદ્યોગોને મળવાપાત્ર થશે. 
        
કોવિડ-૧૯ને કારણે ઉદભવેલ પરિસ્થિતિમાં જીઆઇડીસી દ્રારા કામચલાઉ મોબાઈલ (સ્થળાંતર થઈ શકે તેવા) અથવા ભવિષ્યમાં દુર કરી શકાય તેવા બાંધકામને જે તે ઔદ્યોગિક પ્લોટ પર મજુરોને રહેણાંકની સુવિધા માટે લોકડાઉનની માર્ગદર્શિકાને સંતોષવા/ પુર્ણ કરવા લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધી અથવા માર્ચ- ૨૦૨૧ બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે.
        
જીઆઇડીસી દ્ધારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા ૩-૪ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા જીઆઇડીસીને રજૂઆત કરવામાં આવે છે. 
        
આ પ્રકારના કિસ્સાઓમાં જીઆઇડીસી મોરેટોરિયમ પીરીયડ ૧-૨ વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસીઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે  મોરેટોરિયમ પીરીયડ ૧ વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે ૩૫૨ ઉદ્યોગકારોને રુ. ૭.૮૯ કરોડની રાહત મળશે.  
        
હાલ જીઆઇડીસીના ૧૬૩૫ ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે.  જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે. 
        
સૂક્ષ્મ,  લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSME ને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે.  આનો લાભ ૧૪૨૮ લાભાર્થીઓને મળશે.
        
જીઆઇડીસીમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના ૨૦ ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે. 
        
આ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.  

હાઉસિંગ સેક્ટર (રૂ. ૧,૦૦૦ કરોડ)
        
હાઉસિંગ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમા થતા કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કડિયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલ્સનું કામ, ફર્નિચર એવા અનેકવિધ કામો દ્વારા લાખો લોકોને રોજગારી પણ મળે છે. 
        
તદુપરાંત સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રો-મટિરિયલના ઉત્પાદન અને વપરાશથી અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. 
    
આથી, બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં એક લાખ સાઇઠ હજાર મકાનો માટે રૂપિયા ૧૦૦૦ કરોડની સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે. 


કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ (રૂ. ૧,૧૯૦ કરોડ)
        
રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ ૭% વ્યાજ  સરકાર (૪% ગુજરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ.૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની આર્થિક સહાય આપવારૂ.૬૬.૫૦ કરોડઆપવામાં આવશે. જે અંતર્ગત ૬૧,૫૭૪ ખેડુતોને સહાય કરવામાં આવશે.  
        
કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ ટકા સહાય આપવા રૂ.૧૩.૫૦ કરોડ ફાળવવામાં આવશે. જેનાથી એક લાખ ખેડુતોને લાભ થશે. 
        
વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે.
        
ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડ ફાળવવામાં આવશે.
        
કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવા માટે રૂ. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.
        
તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગનેટ, ફિશીંગબોટ, મત્સ્યબીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે રૂ.૨૦૦કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. 
        
આમ, પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો ઊભી કરવામાં આવશે. 


સ્વરોજગાર (રૂ. ૫૨૫ કરોડ)
        
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે. 
        
આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને ૬ માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ ૪ ટકાના વ્યાજ સહિત ૩૦  સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. ૩૦૦ કરોડ ફાળવવામાં આવશે. 
        
મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
૩૨ હજારથી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.૨૫ કરોડ થશે. 


શ્રમિક કલ્યાણ (રૂ. ૪૬૬ કરોડ)
        
આદિવાસી ખેતમજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકો પોતાના વતનમાંથી અન્ય જીલ્લામાં રોજગારી મેળવવા માટે જાય છે. જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. ૩૫૦૦૦ સબસીડી આપવામાં આવશે. ૧ લાખ લાભાર્થીઓ માટે  રૂ. ૩૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. 
        
લારીવાળાનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવા માટે રૂ.૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. 
        
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને શ્રમિકોને કડિયા નાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવા રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતગર્ત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વધુ ૨૦ આરોગ્ય રથની સુવિધા પુરી પાડવા રૂ.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. 
        
બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવા માટે રૂ.૬ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        રાજ્યમાં મોટાપ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી અર્થે આવે છે. બે માસના લોકડાઉનના કારણે આ પ્રવાસી શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવા માટે રૂ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. 


અન્ય રાહતો (રૂ. ૫,૦૪૪.૬૭ કરોડ)
        
કોરના વાઇરસની અસામાન્ય પરીસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા પ્રજા હિતને પ્રાધ્યાન્ય આપીને તબક્કાવાર રાહતના સંખ્યાબંધ પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા ૧૦૦૦ નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું  આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતોનો સમાવેશ થાય છે. આ રાહતો માટે રૂ.૪૩૭૪.૬૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 
        
પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવા માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
        
કોવિડ-૧૯ પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રુા. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે. 
    
તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલીકાઓને અનુક્રમે રુા. ૫૦ કરોડ, રુા. ૧૫ કરોડ રુા. ૧૦ કરોડ અને રુા. ૧૦ કરોડ ફાળવવામાં આવશે. જ્યારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રુા. ૫ કરોડ ફાળવવામાં આવશે. 
        
કોવિડ-૧૯ પરિસ્થિતિને કારણે રાજ્યની જાહેર પરિવહન સેવાને પણ ગંભીર આર્થિક અસર થઇ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય સ્વરુપે રૂ.૧૨૦ કરોડ ફાળવવામા આવશે.
        
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગમાં મુખ્યત્વે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ થાય છે. ગેસના દરોમાં જૂન માસ માટે રાહત આપવામાં આવશે. જેથી હજારોની સંખ્યામાં રોજગારી આપતા આ એકમો ધમધમતા બનશે. આ માટે રૂ. ૩૦ કરોડ ફાળવવામાં આવશે.
        
અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે ૩૦ ટકાની માફી આપવામાં આવશે. જેનાથી રૂ. ૨૦ કરોડનો લાભ મળશે. 
        
આમ, મુખ્યમંત્રી  એ જાહેર કરેલું આ પેકેજ કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારીથી ઉદ્દભવેલી પ્રતિકૂળ સ્થિતીમાંથી સમાજજીવનને બહાર લાવી આર્થિક પરિસ્થિતીમાં સુધાર સાથે રાજ્યના જનજીવનને અને અર્થતંત્રને પૂન: વેગવંતુ બનાવશે.