GST કૌભાંડના 6 આરોપીઓની કરાઈ ધરપકડ, 1000 કરોડનું બિલિંગ કૌભાંડ આચર્યું છે
SGST વિભાગે ગોંડલના વિમલ ભુત, અનિલ ભુત, રવિ વાજા, ડિસાના મેહુલ ઠક્કર, ઉંઝાના અમિત ઠક્કર અને મયુર ઠક્કરની ધડપકડ કરી આગળના કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદઃ ગુજરાત સ્ટેટ જીએસટી દ્વારા રાઇસબ્રાન ઓઇલના કરોડોના કૌભાંડમાં 6 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. ગોડલ, ઊંઝા અને અને ડીસાના ઓઇલના વેપારીઓ દ્વારા 1000 કરોડનું બિંલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 58 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદેસર દર્શાવીને વેપારીઓએ કરોડોનો નફો મેળવ્યો હતો. SGST વિભાગે ગોંડલના વિમલ ભુત, અનિલ ભુત, રવિ વાજા, ડિસાના મેહુલ ઠક્કર, ઉંઝાના અમિત ઠક્કર અને મયુર ઠક્કરની ધડપકડ કરી આગળના કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા વેપારીઓ આંધ્રપ્રદેશ અને તેલંગાના રાજ્યમાંથી રાઇસબ્રાન ઓઇલની ખરીદી કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બિલ વિના માલનું વેચાણ કરતા હતા. આ ઉપરાંત ગુજરાતની પણ વિવિધ રીફાઇનરી પાસેથી જુદા જુદા ટેડર્સ મારફતે પામોલીન તેલની ખરીદી કરી બિલ વિના તેલનું વેચાણ કરતા હતા.આ સમગ્ર કૌભાંડનું કેન્દ્ર બિંદુ ગૌડલ અને ઉંઝા તપાસ દરમિયાન સામે આવ્યું છે.
આ અંગે રાજ્ય જીએસટીના સ્પેશિયલ કમિશનર અજય કુમારે જણાવ્યું કે, ગોડલના વિમલ જ્યંતિ ભુત અને અનિલ જ્યંતિભાઇ ભુત દ્વારા જુદા જુદા વ્યક્તિઓના નામે જીએસટી રેજીમમાં જય ઓઇલ મીલ, જયવીર ઓઇલ મીલ, રાધા રમણ એન્ટરપ્રાઇઝ, ગોપીનાથ ટ્રેડિંગ કંપની, શ્રીનાથ રીફોઇલ્સ, તુલસી ટ્રેડિંગ કંપની, વ્રજ ઓઇલ મીલ, વગેરે પઢી ઉભી કરવામાં આવી હતી. આ પેઢી મારફતે માલની ખરીદી હતી અને તે માલનું બિલ વગર જ વેચાણ કરવામાં આવ્યું હતું. કેટલાક કેસમાં માત્ર બિલની જ આપ-લે કરવામાં આવી હતી.
આ 7 પેઢીમાં કુલ 470.76 કરોડના ખોટા વેચાણ બિલ બનાવાયા હતા. જેના આધારે સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટીના કુલ 23.62 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે તબદીલ કરાયા હતા.
ગોડલના રવિ જ્યંતિભાઇ વાજા જે જય ઓઇલ મીલના વિમલ ભુત પાસે નોકરી કરતો હતો. રવિએ તુલસી ટ્રેડિંગ કંપની બનાવી અને વ્રજ ઓઇલ મીલ કે જે અગાઉ વિમલ ભુત દ્વારા ઓપરેટ થતી હતી તે પેઢીમાં 01/04/18 બાદ બિલિંગની કામગિરી કરી હતી. રવિ વાજાએ અન્ય વ્યક્તિઓના નામે શ્રીનાથજી ટ્રેડિંગ કંપની બનાવી તે નામે નોંધણી નંબર મેળવી તેમાં પણ બોગસ બિલિંગ બનાવી કૌભાંડ આચર્યું હતું.
આ પેઢીએ પણ કોઇ પણ પ્રકારના માલની લેવડ દેવડ વગર 169.99 કરોડના બિલો બનાવ્યા હતા.. જેના ઉપર સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી મળીને 8.5 કરો઼ડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે તબદીલ કરાઈ હતી.
કમિશનર અજયે વધુમાં જણાવ્યું કે, આ લોકો ઉપરાંત ડીસાના મેહુલ દલપતરામ ઠક્કરે મે.પ્રિન્સ પ્રોટીન્સ પ્રા.લી નામની પેઢી ઉભી કરી માલની લેવડ દેવડ કર્યા વિના જીએસટી રેજીમાં 270.83 કરોડના કોમર્શિયલ કેસ્ટર ઓઇલ અને અન્ય કોમોડીટીના ફક્ત બીલો આપ્યા હતા. જેના ઉપર સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી મળીને કુલ 13.54 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે તબદીલ કરી હતી.
મે.ખુશીયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા લી.ના ડિરેક્ટર મેહુલ ઠક્કરે આ કંપનીમાં કેસ્ટર ઓઇલનું ઉત્પાદન કરવામાં આવે છે તેવું જણાવ્યું હતું. મે.ખુશીયા ઇન્ડસ્ટ્રીઝમાં વેચાણો પર ભરવાપાત્ર વેરાની જવાબદારી ઘટાડી તેમણે પોતે જ ઉભી કરેલી મે. પ્રિન્સ પ્રોટીન પ્રા. લી. તથા અન્ય પેઢીઓ પોસેથી 258.24 કરોડના ફક્ત બીલો મેળવી 12.91 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવી હતી.
રામ બ્રોકીંગ એજન્સી, ઊંઝાના અમિત હસમુખ ઠક્કર અને મયુર ઠક્કરે જુદા જુદા વેપારીઓ પાસેથી બિલ વિના માલના વેચાણ કરવામાં તથા અન્ય ખોટી રીતે ટેક્સ ક્રેડિટ તબદીલ કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
અંદાજે 399.89 કરોડના માલના વેચાણો બિલ વિના કરવામાં આવ્યા હતા અને આવા બિલો જુદા જુદા વેપારીઓના નામે પોતે ઈસ્યુ કર્યા હતા. આ રીતે 20 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે તબદીલ કરી હતી.
ગુજરાત GSTની કાર્યવાહી, બોગસ બિલિંગ મામલે 6 લોકોની ધરપકડ- જુઓ વીડિયો