કેન્દ્રના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, શાહ, પાટિલ, જયશંકર અને માંડવિયા બન્યા કેબિનેટ મંત્રી
દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. પીએમ મોદીનાં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લીધા છે. પીએમ મોદીની કેબિનેટમાં ગુજરાતમાંથી પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી અમિત શાહ (લોકસભા સાંસદ), એસ જયશંકર (રાજ્યસભા સાંસદ), જેપી નડ્ડા (રાજ્યસભા સાંસદ), સીઆર પાટિલ (લોકસભા સાંસદ) અને મનસુખ માંડવિયા (લોકસભા સાંસદ) ને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
અમિત શાહ
અમિત શાહ સતત બીજીવાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. મોદી 2.0 માં અમિત શાહે કેન્દ્રીય ગૃહ વિભાગની જવાબદારી સંભાળી હતી. અમિત શાહ નરેન્દ્ર મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે. અમિત શાહને સતત બીજીવાર મોદી કેબિનેટમાં જગ્યા મળી છે.
એસ જયશંકર
એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. એસ જયશંકર 2019થી 2024 સુધી મોદી સરકારમાં વિદેશ મંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ વખતે તેમણે કેબિનેટ મંત્રી તરીકે બીજીવાર શપથ લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે એસ જયશંકરને ફરી વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે.
જેપી નડ્ડા
જગત પ્રકાશ નડ્ડા હિમાચલ પ્રદેશથી આવે છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે. હવે નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેને કોર્યકાળ પૂર્ણ થવાનો છે. તેવામાં નડ્ડાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂક્યા છે. મોદી 2.0 માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હતા. મનસુખ માંડવિયાએ પ્રથમવાર પોરબંદર સીટથી લોકસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. આ પહેલા મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ હતા.
સીઆર પાટિલ
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સીઆર પાટિલ નવસારી લોકસભા સીટથી સાંસદ છે. 2024ની ચૂંટણીમાં સીઆર પાટિલે મોટા અંતરથી જીત મેળવી હતી. સીઆર પાટિલ પ્રથમવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.
નિમુબેન બાંભણીયા (રાજ્યમંત્રી)
ભાવનગરથી લોકસભા ચૂંટણીમાં વિજયી બનેલા નિમુબેન બાંભણીયાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે. નિમુબેનને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.