લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના 33 જિલ્લાનું ભ્રમણ કરશે શક્તિસિંહ ગોહિલ, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન
Lok Sabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે શક્તિ સાધનામાં લાગેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક્શન મોડમાં આવી ગયા છે. ગુજરાતમાં ભારત જોડો યાત્રાની શરૂઆતની અટકળો વચ્ચે તેમણે પોતાના પ્લાનની જાહેરાત કરી દીધી છે.
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને શૂન્યથી શિખર તરફ લઈ જવાના પડકારની સાથે પ્રદેશ પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલ ગુજરાતનું ભ્રમણ કરશે. 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવા માટે શક્તિ સિંહ ગોહિલ એક સાથે અનેક મોર્ચે કામ કરી રહ્યાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમાખ તમામ 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકાનો પ્રવાસ કરશે. આ પહેલા તમામ જિલ્લા અને મહાનગરોની કાર્યકારિણીની બેઠક થશે. તેમાં જિલ્લા અને શહેર પ્રભારીની હાજરી રહેશે. બેઠક થયા બાદ શક્તિસિંહ ગોહિલ તે જિલ્લામાં પહોંચશે અને સંગઠનની સમીક્ષા કરશે અને લોકસભા ચૂંટણી પ્રમાણે સંગઠનમાં ફેરફાર પણ કરશે. સંસતનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ શક્તિસિંહ એક્શન મોડમાં આવી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં ગોહિલે જિલ્લા અને શહેર અધ્યક્ષોની સાથે પ્રભારીઓને તેની જાણકારી આપી છે.
યાત્રા પહેલા પ્રવાસ કરશે
જૂન મહિનામાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે સંગઠનની બીજી મોટી બેઠકમાં સ્પષ્ટતા કરી છે કે કામ કરનારાઓને જ પક્ષમાં સ્થાન મળશે. પક્ષ નિષ્ક્રિય લોકોને નમસ્કાર કરતાં ખચકાશે નહીં. તેમની જગ્યાએ નવા લોકોને તક આપવામાં આવશે. રાજીવ ભવન ખાતે બેઠક બાદ પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના જિલ્લાઓમાં જવા રવાના થશે. ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા શક્તિસિંહ ગોહિલ ખાલી પડેલી જગ્યાઓ અને સંગઠનમાં ફેરફાર કરવા માંગે છે, જેથી ગુજરાતથી ભારત જોડો યાત્રા શરૂ થાય તો યાત્રાને સારો પ્રતિસાદ મળે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાતથી શરૂ થશે યાત્રા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતથી શરૂ થવાની ચર્ચા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાહુલ ગાંધીને આ સંબંધમાં એક આમંત્રણ પણ મોકલ્યું છે. તેમાં વિનંતી કરવામાં આવી છે કે તેઓ ગાંધી અને પટેલની ધરતી પરથી યાત્રા શરૂ કરે. સૂત્રો પ્રમાણે યાત્રા ગુજરાતથી જ શરૂ થશે બસ પાર્ટીની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ યાત્રાની તૈયારી પણ કરી રહી છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી. જેનાથી ખ્યાલ આવે છે કે રાહુલ ગાંધી હવે મિશન ગુજરાત પર આગળ વધવા ઈચ્છે છે. જૂનમાં શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ હતી. ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે હવે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના ગુજરાતમાં રાહુલ પોતાની સક્રિયતા વધારશે. હવે તેમના નજીકના મનાતા શક્તિસિંહ ગોહિલે પ્રદેશ ભ્રમણની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube