Gujart Election Result બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના થઈ છે. 15 મી વિધાનસભામાં સુકાની તો ભુપેન્દ્ર પટેલ રહેશે, પણ તેમની ટીમ બદલાઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે.
 
અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી- થરાદ
ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ -શહેરા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા હતા. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયેલા જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પહેલેથી જ શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું, આખરે આ નામ પર પૂર્ણવિરામ મૂકાયું છે. જોકે, વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાના નામ પણ ચર્ચામાં હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. આખરે તેમના નામ પર મહોર લાગી છે.



કુબેર ડીંડોરે શિક્ષણ મંત્રીનો ચાર્જ સંભાળ્યો
તો રાજયના નવા શિક્ષણ મંત્રી તરીકે કુબેર ડીંડોરે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ગત સરકારમાં કુબેર ડિંડોર રાજ્યમંત્રી હતા. તેઓ સંતરામપુર બેઠકથી ભાજપના ધારાસભ્ય છે. કુબેર ડિંડોરે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો. ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોર આદિવાસી નેતા છે અને કોલેજકાળથી સમાજ સેવા સાથે જોડાયેલા છે. વ્યવસાયે પ્રોફેસર કુબેર ડીંડોર સાબરકાંઠાની તલોદ કોલેજમાં ફરજ બજાવતા હતા. કુબેર  ડીંડોર PHD થયેલા છે. છેલ્લે સંતરામપુરથી સ્વ પ્રબોધકાંત પંડ્યા રાજ્યના ગૃહ અને શિક્ષણ વિભાગના મંત્રી હતા, ત્યારબાદ આ પંથકમાંથી કોઈને મંત્રીપદ અપાયું ન હતું. લાંબા સમય બાદ કુબેર ડીંડોરને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ત્યારે આ પંથકમા ખુશીનો માહોલ છવાયો છે.