Gujarat Assembly session બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળી રહ્યું છે. ત્યારે સત્રની શરૂાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના બાદ સર્વ સંમતિથી વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારે સર્વનુંમતે શંકર ચૌધરી સત્તાવાર રીતે ગૃહના અધ્યક્ષ બન્યા હતા. મુખ્યમંત્રી, સંસદીય બાબતો ના મંત્રી અને વિપક્ષના શૈલેષ પરમાર નવા અધ્યક્ષને તેમના સ્થાન સુધી દોરી ગયા હતા. અને શંકર ચૌધરીએ અધ્યક્ષની ખુરશી પર બેસી પદભાર ગ્રહણ કર્યો હતો. તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ પદ માટે જેઠાભાઈ ભરવાડનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો બીજી તરફ, વિધાનસભામાં ભાજપની શક્તિ વધી છે. 3 અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, ધર્મન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈએ રાજ્યપાલને મળી ભાજપને ટેકો જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. શંકર ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. આવી છબી બદલવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. વિધાનસભા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું. 



કેમ અધ્યક્ષ બનતા પહેલા રાજીનામુ આપવુ પડે છે
મંત્રી મંડળના શપથગ્રહણ બાદ 15મી ગુજરાત વિધાનસભાના ગઠનની કામગીરી થઈ. સોમવારે ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોએ ધારાસભ્ય પદના શપથગ્રહણ કર્યા. હવે મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ. ભાજપે અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ પદ માટે જેઠા ભરવાડની પસંદગી કરી હતી. વિધાનસભામાં ભાજપ પાસે બે તૃતિયાંશથી વધુ બહુમત હોવાથી ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહી છે. ગઈકાલે તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલને પક્ષમાંથી પોતાનું રાજીનામું સોંપી દીધું. હવે સવાલ એ ઉભો થાય છે કે તેમણે આવું શા માટે કર્યું. તો તેનો જવાબ એ છે કે વિધાનસભાના અધ્યક્ષે પદ ગ્રહણ કરતા પહેલા પદ પક્ષ છોડવો પડે છે. કેમ કે વિધાનસભાના અધ્યક્ષ કોઈ પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના અધ્યક્ષ છે. વિધાનસભાના સંચાલનની જવાબદારી તેમના સિરે હોય છે. તેમણે નિષ્પક્ષ રહીને પોતાની જવાબદારીઓ નિભાવવી પડે છે. વિધાનસભાના અધ્યક્ષનું પદ બંધારણીય હોદ્દો છે. રાજ્ય સરકારના બંધારણીય પદોમાં વિધાનસભા અધ્યક્ષનું પદ રાજ્યપાલ અને મુખ્યમંત્રી બાદ ત્રીજા ક્રમે આવે છે. અધ્યક્ષ બાદ કેબિનેટ મંત્રીઓનો ક્રમ આવે છે.


અધ્યક્ષ પદથી નિવૃત્તિ શબ્દ હવે દૂર થયો 
સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષ બનવું એ સક્રિય રાજકારણમાંથી નિવૃતિ તરફનું પગલું ગણાય છે. અશોક ભટ્ટ, વજુભાઈ વાળા અને નિમાબેન આચાર્ય આ બાબતે ઉદાહરણ ગણી શકાય. જો કે ભાજપનાં અન્ય બે ચહેરા આ માન્યતાને ખોટી સાબિત કરે છે. ગણપત વસાવા અને રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ સરકારમાં મંત્રી બન્યા હતા. રાજકારણમાં શંકર ચૌધરીની સક્રિયતાને જોતાં તેમના માટે નિવૃત્તિ શબ્દ દૂરનો ભવિષ્યકાળ છે. 


નરેન્દ્ર મોદી શંકર ચૌધરીને રાજકારણમાં લાવ્યા હતા 
નરેન્દ્ર મોદી RSSના નગર કાર્યવાહ શંકર ચૌધરીને રાજકારણમાં લાવ્યા હતા. 1997માં તેમને શંકરસિંહ વાઘેલા સામે રાધનપુરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. શંકર ચૌધરી ભલે હારી ગયા, પણ રાજકારણમાં તેઓ સક્રિય થઈ ગયા. બીજા જ વર્ષે 1998માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી રાધનપુરથી જ જીત્યા. તેઓ 2012 સુધી ચાર વખત ચૂંટાયા, પણ 2017માં હારનો સામનો કરવો પડ્યો. તેઓ ભાજપ મોરચાના અધ્યક્ષ અને પ્રદેશ  મહા મંત્રી પણ રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલ અને રુપાણી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. 


શંકર ચૌધરી વિધાનસભાના બીજા સૌથી યુવા અધ્યક્ષ
સહકારી ક્ષેત્રમાં શંકર ચૌધરી આજે મોટું નામ છે. ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં તેમનો વિકલ્પ મળવો મુશ્કેલ છે. 2007-08માં તેઓ બનાસ બેંકના ચેરમેન બન્યા. 2009થી તેઓ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન છે. હાલમાં તેઓ બનાસ ડેરીના અધ્યક્ષ પણ છે. હવે તેઓ ગણપત વસાવા બાદ ગુજરાત વિધાનસભાના બીજા સૌથી યુવા અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે.