મહેન્દ્ર સિંહ ભાજપમાં જોડાતા બાપુ થયા નારાજ, આપ્યો એક સપ્તાહનો સમય
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહે કહ્યું કે, મહેન્દ્ર સિંહ મારી રજા લીધા વગર ભાજપમાં જોડાયા છે.
અમદાવાદઃ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા આજે સવારે ભાજપમાં જોડાયા હતા. જેને લઈને બાપુએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પુત્ર ભાજપમાં જોડાતા બાપુ નારાજ થયા છે. તેમણે પત્રકાર પરિષદમાં પોતાના નારાજગી ખુલીને વ્યક્ત કરી છે. શંકરસિંહે કહ્યું કે, રાજકારણમાં પોતાનો નિર્ણય લેવાનો તમામને અધિકાર છે. પરંતુ આ રીતે તાત્કાલિક નિર્ણય ન લેવો જોઈએ. મહેન્દ્ર સિંહે ભાજપમાં જોડાવા અંગે મારી સાથે કોઈ વાત કરી નથી. ભાજપમાં જોડાઉ કે કેમ તે અંગે મને પૂછ્યું પણ નથી. શંકરસિંહે કહ્યું કે મહેન્દ્રસિંહ પર કદાચ ભાજપનું દબાણ હોઈ શકે છે. શંકર સિંહે કહ્યું કે, મહેન્દ્ર તમામ સમર્થકોને બોલાવે અને તેમને પુછે કે ભાજપમાં જોડાવું કે નહીં. જો તમામ કાર્યકર્તા હા પાડે તો બધા સાથે કમલમ જઈને ભાજપનો ખેસ પહેરી લે. જો મહેન્દ્ર સિંહ એક સપ્તાહમાં કાર્યકર્તાને બોલાવે અથવા ભાજપમાંથી રાજીનામું આપે. તે આમ નહીં કરે તો અમારા રાજકીય સંબંધો પૂરા.
પત્રકારો સાથે વાત કરતા શંકરસિંહે કહ્યું કે, હું લોકસભાની ચૂંટણી પહેલા સક્રિય થવાનો છું. મેં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી. મેં જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે કાર્યકર્તાઓની આંખમાં આસું હતા. મને કોઈ સીબીઆઈ કે ઈડીનો ડર નથી. હાલમાં કોઈપણ પાર્ટીના સંપર્કમાં નથી. મહેન્દ્રએ સમર્થકોને પૂછીને નિર્ણય લેવાની જરૂર હતી.
પુત્રને આપ્યો એક સપ્તાહનો સમય
મેં કોંગ્રેસ છોડી તેને એક વર્ષ થયું. આ એક વર્ષમાં એક પણ પક્ષમાં મારું લોબિંગ નથી ચાલતું. મેં મહેન્દ્રભાઇને કહ્યું હતું કે તમારે બીજેપીમાં જવું હોય તો પૂછીને જવું જોઈએ. હું તેમને એક અઠવાડિયાનો સમય આપું છું. આ દરમિયાન તમારા તમામ સમર્થકો અને ટેકેદારોને બોલાવો. જો તે લોકો રજા આપે તો તેમની સાથે બીજેપીમાં જોડાવ. એ લોકો જો ના કહે તો બીજેપીમાંથી રાજીનામું આપવું પડે તો આપી દો. આપણા માટે કાર્યકરો પહેલા હોય છે.
ભાજપમાં જવા મારી મંજૂરી લીધી નથી
મહેન્દ્રભાઈએ પૂછ્યું ત્યારે મેં તેમને તેમના સમર્થકોની મંજૂરી લેવાનું સૂચન કર્યું હતું. બીજેપીએ પણ મને વિવેક ખાતર નથી પૂછ્યું કે અમે મહેન્દ્રભાઈનો ઉપયોગ કરી રહ્યા છીએ. હું સ્પષ્ટતા કરું છું કે તેઓ બીજેપીમાં જોડાયા તેની પાછળ મારો કોઈ રોલ નથી. એક અઠવાડિયામાં તેઓ કાર્યકરોને પૂછીને નિર્ણય લે નહીં તો બીજેપીનો ખેસ ઉતારશે તો જ મારા તેમની સાથેના રાજકીય સંબંધો રહેશે.