રવિ અગ્રવાલ/વડોદરા: શિવરાત્રી પર્વે સમગ્ર દેશ જ્યારે શિવમય બન્યો હોય ત્યારે વડોદરા ખાતે પરંપરાગત રીતે શિવજી કી સવારી નીકળી હતી. જેમાં શહેરના નાગરિકો શિવગણ બની શોભાયાત્રામાં જોડાવવા જનમાર્ગો પર ઉમટ્યા હતા. કલા નગરી વડોદરામાં દર એક તહેવાર અનોખી રીતે ઉજવવાનો રિવાજ છે. જેમાં શિવરાત્રી પર્વે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારી તો ભોળાના ભક્તો માટે જાણે કે દિવાળી હોય તેવો માહોલ ઉભો થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંપરા પ્રમાણે આજ રોજ શહેરના પ્રતાપનાગર સ્થિત રણ મુક્તેશ્વર મહાદેવના મંદિરેથી મહાઆરતી ઉતાર્યા બાદ નંદી પર સુવર્ણમઢીત શિવ પરિવારની વિશાળ યાત્રા નીકળી હતી. જેમાં શિવ પરિવાર આશીર્વાદ લેવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપ ,કોંગ્રેસ અને વડોદરા મહાનગર સેવાસદનના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શિવજી કી સવારીમાં અસંખ્ય ડીજે પર વાગતા ભોલેનાથના ગીતો સહિત દેશભક્તિના ગીતો વચ્ચે અદભુત માહોલ સર્જાયો હતો.


દેશભક્તિ સહિત દેશની વિવિધ સંસ્કૃતિઓના ફલોટ પણ શિવજી કઈ સવારીમાં જોડાતા સોનામાં સુગંધ ભળી હતી. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ દ્વારા વર્ષો પહેલા શહેરની પ્રજાના રક્ષણ માટે શહેરની ચતુર્થ દિશામાં વિવિધ નવ જેટલા મહાદેવના મંદિરો બનાવવામાં આવ્યા હતા. આ મંદિરો આજે નવનાથ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરો માટે શહેરના ભાવિકોની એવી શ્રદ્ધા છે કે ચારે દિશામાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ શહેરમાં કોઈ પણ પ્રકારની કુદરતી આપદાઓ આવવા દેતા નથી. તો વળી સાથે સાથે વર્ષમાં અનેક તહેવારો આ મંદિરો ખાતે ઉજવવામાં આવે છે. 


વડોદરાની શાન કહી શકાય તેવા સુરસાગર તળાવ ખાતે ભગવાન મહાદેવની વિશાળ પ્રતિમા સત્યમ શિવમ સુંદરમ સમિતિના આગેવાન અને શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ દવારા નિર્માણ કરવામાં આવી છે. નયનરમ્ય આ પ્રતિમા દેખાવે ખૂબ જ આકર્ષક લાગે છે. ત્યારે આ સમિતિ દ્વારા મહાશિવરાત્રીના પર્વે શહેરમાં શિવજી કી સવારી નામે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. 


મહાશિવરાત્રીના પર્વે યોજાયેલ શોભાયાત્રામાં તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનો અને ત્યાર બાદ સેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકને યાદ કરીને તે અંગેના વિવિધ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં વિવિધતામાં એકતા રૂપી સર્વ ધર્મ સંભાવના સંદેશ પણ આપવામાં આવ્યો હતો.