યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ, વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
પરખ અગ્રવાલ, બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8, 9 અને 10 એપ્રિલે અંબાજના ગબ્બરગઢ ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થનાર છે. જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખુલ્લું મુકશે. તેની સાથે રૂપીયા 17 કરોડના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ થનાર છે. ત્યારે તેને લઈ યાત્રાધામ વિકાસબોર્ડ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરાયેલી તડામાર તૈયારીઓ હવે અંતિમ ચરણમાં જોવા મળી રહી છે.
અંબાજી ખાતે ભાદરવી પુનનો મેળો અને જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ પ્રતિવર્ષ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્રમા મહોત્સવ 8 એપ્રિલથી શરુ થનાર છે. ત્યારે ગબ્બર ઉપર ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્કૃતધામ, રજોપચાર યજ્ઞ, આનંદના ગરબા, પરિક્રમા પથ પર પાલખી યાત્રા, મહા આરતી સહીતના અનેક કાર્યક્રમ યોજાનાર છે.
આ પણ વાંચોઃ 'હું લડ્યો છું તમારા માટે હવે તમે લડો મારા માટે', ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર
પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસ 8 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના હસ્તે કોટેશ્વર મંદિર ખાતે વિકાસના કામોનું ભૂમિ પૂજન, તેમજ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ કરાશે. ત્યાર બાદ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી યાત્રાધામની મોબાઈલ એપ તથા અંબાજી ટેમ્પલ બુકિંગ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાશે. તેમજ સાંજે ગબ્બર તળેટી ખાતે યોજાનાર ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુલ્લો મુકશે.
ભારતના સૌથી મોટા રોક સ્ટોન પર થનાર લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્દઘાટન કરશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહીત રાજ્ય મંત્રીઓ તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube