અમદાવાદઃ રાજ્યમાં પડેલા વરસાદના કારણે ડેમ પણ છલકાઈ ગયા છે.  રાજ્યના 13 ડેમ હાઈએલર્ટ પર છે તો 5 જળાશયો માટે હાઈએલર્ટ જારી કરાયું છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 27 ટકાથી વધુ પાણી આવ્યું છે તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 47 ટકાથી વધુ પાણી ઠલવાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 25 ટકાથી વધુ પાણીનો જથ્થો આવ્યો છે.  કચ્છના 20 ડેમમાં 9 ટકા પાણી આવ્યું તો સૌરાષ્ટ્રના 138 ડેમમાં 31 ટકા જેટલું પાણી આવ્યું છે. આમ રાજ્યના કુલ 203 ડેમમાં 29 ટકાથી વધુ પાણીની આવક થઈ છે. જ્યારે રાજ્યના 11 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે 22 ડેમ 70થી 100 ટકા ભરાયા છે.  28 ડેમ 50થી 70 ટકા જેટલા ભરાયા છે. રાજ્યમાં સરેરાશ 44 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. ત્યારે ખંભાળિયાનો સિંહણ ડેમ, ધોરાજીનો ભાદર-2 ડેમ, રાજુલા જાફરાબાદનો ધાતરવાડી-1 ડેમ, માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ, પોરબંદરના અમીપુરનો ડેમ, ખાંભાનો રાયડી ડેમ અને જામનગર જિલ્લાના પાંચ ડેમ ઓવરફ્લો થયા છે. તો અન્ય કેટલાક બીજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.