સુરતમાં મધરાતે મોટી દુર્ઘટના, પાંડેસરા GIDCની શાલુ મિલમાં ધડાકા સાથે સ્લેબ તૂટ્યો
દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મોડી રાતે 2 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ.
સુરત: દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મોડી રાતે 2 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ. પાંડેસરા જીઆઈડીસી મિલમાં ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો. દુર્ઘટના ઘટી ત્યારે મિલમાં આશરે 100 જેટલા કામદારો કાર્યરત હતાં. આ દુર્ઘટનામાં હાલ 30 કામદારો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો છે. જેમાંથી 3 કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસર GIDCમાં આવેલી મિલમાં રાતે 2 વાગ્યે શાલુ ડાઈંગ મિલનો ત્રીજા માળનો સ્લેબ તૂટી પડ્યો. જેવો સ્લેબ તૂટ્યો કે તરત જ જેટ મશીનમાં આગ ફાટી નીકળી હતી. મિલમાં ડાઈંગ પ્રિન્ટિંગનું કામ ચાલુ હતું. આ દુર્ઘટનામાં 30 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઈમરજન્સી કોલ જાહેર કરાયો છે.
સ્લેબ ખુબ જર્જરિત હાલતમાં હતો એમ કહેવાય છે. હાલ ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હજુ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.