રિંગ રોડ પર સાઉથ ફિલ્મની સ્ટોરીને આંટી મારે તેવી હત્યાની ઘટના, પોલીસ કહાની સાંભળીને વિચારમાં પડી ગઇ

પોલીસે તાત્કાલિક તપાસ કરતા ટ્રક ડ્રાઇવર રાજસ્થાન ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. ત્યાં જઈને ટ્રક નંબર આધારે તપાસ કરતા આરોપી રામનિવાસ સ્વામી મળી આવ્યો હતો.
ઉદય રંજન, અમદાવાદ: નડિયાદ જિલ્લાના ફતેપુર ગામનો રાજેશ તેના સંબંધી સાથે મકાઈના ડોડા નડિયાદથી ભરી અને મહેસાણા આપવા નીકળ્યો હતો. મોડી રાતે મહેસાણા માલ ઉતારી નડિયાદ પરત ફરી રહ્યો હતો ત્યારે વહેલી સવારે રિંગ રોડ પર રામોલ ટોલટેક્સ પાસે પહોંચ્યો ત્યારે વાહનોની લાઈનમાં ઉભા હતા. ત્યારે પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક આવી હતી. ટ્રકચાલકે બોલેરોને ટક્કર મારતા આગળ ઉભેલા વાહન સાથે ટકકર વાગી હતી. જેથી આગળની બંને હેડ લાઈટ તુટી ગઈ હતી. અકસ્માત બાબતે ટ્રક ડ્રાઇવર પાસે 10, 000 રૂપિયા નુકસાનના માંગતા બોલાચાલી થઇ હતી.
આ દરમિયાનમાં પાછળ બીજા વાહનોની લાંબી લાઇન થઈ જતા આગળ વાહન લઈ નડિયાદ તરફ સાઈડમાં રોકયું હતું. ટ્રક ડ્રાઇવર પણ ટ્રકને આગળ લઈ સાઈડમાં કરવાની જગ્યાએ કુલ સ્પીડમાં ભાગતો હતો. જેથી રાજેશે ટ્રક સામે જઈ હાથ બતાવી રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઇવરે ટ્રક તેના પર ચડાવી વ્હીલ નીચે કચડી નાસી ગયો હતો. ઘટનામાં રાજેશનું મોત નિપજ્યું અને રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસે તાત્કાલિક તપાસ કરતા ટ્રક ડ્રાઇવર રાજસ્થાન ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. ત્યાં જઈને ટ્રક નંબર આધારે તપાસ કરતા આરોપી રામનિવાસ સ્વામી મળી આવ્યો હતો. તેને રામોલ પોલીસ સ્ટેશનમાં લાવી પોલીસે પૂછપરછ કરી તો નવો જ ખુલાસો થયો હતો. તેણે એવી કબૂલાત કરી કે અકસ્માત બાદ રાજેશે આગળ ટ્રક રોકાવી અને દરવાજા પર ચઢી ગયો હતો અને રામનિવાસ એ ફેટ મારતા તે પડી ગયો અને ટાયર નીચે આવી ગયો જેથી તે કચડાઈને મૃત્યુ પામ્યો હતો. પોલીસ આરોપીની આ કહાની સાંભળીને પણ વિચારમાં પડી ગઈ હતી. જોકે સામાન્ય અકસ્માતમાં આરોપીને પકડી પોલીસે રાજેશના મોત બાદ તેના પરિવારને ન્યાય અપાવ્યો છે.
સુત્રોનું કહેવું છે કે હાઇવે પર આવા અનેક અકસ્માત થતા હોય છે. પણ તેમાં સામાન્ય બાબતમાં જો આવી રીતે હત્યા થાય તો તે ગંભીર ગણાય છે. પકડાયેલ આરોપી કે અન્ય કોઈ ડ્રાઈવર આ રીતે કોઈની હત્યા ન કરે તે માટે દાખલો બેસાડવા તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube