વરસાદ ધીમો ન પડે તો નદીઓ હજી ગાંડી થશે! બે જિલ્લા વરસાદના ટાર્ગેટ પર, સીઝનમાં બીજીવાર પૂર આવ્યું!
Navsari Flood Alert : તો મેઘરાજાએ ઘમરોળ્યું દક્ષિણ ગુજરાત.. નવસારી ઉપરાંત વલસાડ, ડાંગ પણ થયું પાણી પાણી... ડાંગના આહવામાં વરસ્યો સાડા 10 ઈંચ.. તો વઘઈમાં 10 અને સુબીરમાં સાડા 8 ઈંચ વરસાદ... તો વલસાડમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ.. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ... પાણીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યું... સંપર્ક વિહોણા બનેલા ભાગલાખૂર્દમાં કરાયું સગર્ભા મહિલાનું રેસ્ક્યુ
Valsad Flood Alert : આ વર્ષે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં આ સીઝનનો સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. જેમાં નવસારી અને વલસાડ વરસાદના ટાર્ગેટ છે એવું લાગી રહ્યું છે. બંને જિલ્લામાં ભારે વરસાદ બાદ બીજીવાર પૂરની સ્થિતિ ઉદભવી છે. વલસાડ ખાતે ઔરંગા નદીમાં પુર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. તો નવસારીના અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.
નવસારીના ખેરગામમાં સૌથી વધુ 14.83 ઈંચ વરસાદ
નવસારી જિલ્લાને મેઘો બે દિવસોથી ઘમરોળી રહ્યો છે. નવસારી જિલ્લામાં 48 કલાકથી અનરાધાર વરસેલા મેઘાને કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે. નવસારીમાં 24 કલાકમાં ખેરગામ તાલુકામાં 14.83 ઇંચ અને વાંસદા તાલુકામાં 9.75 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગણદેવી અને ચીખલી તાલુકામાં પાંચ ઇંચ તેમજ નવસારી અને જલાલપોર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાની નદીઓમાં અંબિકા નદી તેની ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે. જેથી બીલીમોરા શહેર અને ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારોને આજે પણ મુશ્કેલી વેઠવી પડશે. જ્યારે ગતરોજ રોદ્ર બનેલી કાવેરી નદીનું જળસ્તર ઘટતા તેના કાંઠા વિસ્તારના લોકોને રાહત થઈ છે. નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર ઘટ્યું છે. પરંતુ હજુ પણ પૂર્ણા તેની ભયજનક સપાટી 23 ફૂટ ઉપર વહી રહી છે. આજે જન્માષ્ટમી છે અને લોકો કૃષ્ણ જન્મોત્સવમાં ઉત્સાહ સાથે જોડાશે. પરંતુ વરસાદનું રેડ એલર્ટ લોકોના ઉત્સાહને ઘટાડી શકે છે.
- વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી ઉપર વહી
- ઔરંગા નદી ભયજનક સપાટી ઉપર વહેતા ભાગડાખુર્ડ ગામ સંપર્ક વિહોણું
- ભાગડાખુર્ડ ગામ સંપર્ક વિહોણું તથા 1500 થી વધુ લોકો ફસાયા
- 1500 થી વધુ લોકો ફસાતા NDRF ની મદદ લઈ સ્થાનિકો દ્વારા ફૂડ પેકેટ પોહચાડવામાં આવ્યા
- સ્થાનિકો યુવાનો દ્રારા ભાગડાખુર્ડ ગામ ખાતે ફૂડ પેકેટ અને પાણી બોટલ પોહચાડવાની કામગીરી હાથ ધરાઈ
અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ
નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ગત મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ બની છે. કાવેરી 19 ફૂટની તેની ભયજનક સપાટી ઉપર પહોંચી છે અને નીચાણવાળા વિસ્તારોમાં કાવેરીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે. ચીખલીના રિવરફ્રન્ટ ખાતે કાવેરીનું રોદ્ર સ્વરૂપ અહલાદક લાગી રહ્યું છે. રિવરફ્રન્ટ પર નદીના જળસ્તર જોવા આવતા સહેલાણીઓ નદી સુધી ન પહોંચે એ માટે ચીખલી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વરસાદ ધીમો ન પડે તો નદીઓ હજી ગાંડી થશે
ઉલ્લેખનીય છે કે ગત મોડી રાતે બાર વાગ્યાથી નવસારીમાં ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે આજે બપોરે 12 વાગ્યે પુરા થતા 12 કલાકમાં ખેરગામ તાલુકામાં 15 ઇંચ વરસાદ ઝીકાયો છે. જેની સાથે વાંસદા અને ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઈમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની સ્થિતિ વિકટ બને એવી શક્યતા જોવાઈ રહી છે. વરસાદ ધીમો ન પડે તો નદીઓ હજી ગાંડી થશે અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી વિનાશ નોતરશે એવી સંભાવના જોવાઈ રહી છે. જિલ્લા તંત્ર દ્વારા પણ નદીઓની સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખી નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી છે.
ઔરંગાના પાણીએ તારાજી સર્જી
વલસાડ ખાતે ઔરંગા નદીમાં પુર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. વલસાડના છીપવાડ ખાતે આવેલી દુકાનોમાં પુરના પાણી ઘૂસ્યા હતા. જે બાદ પાણી ઉતરતા દુકાનદારો દ્વારા દુકાનમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી. પૂરના પાણી ઘૂસવાના કારણે સરકારી અનાજનો જથ્થો ખરાબ થઈ ગયો છે. જો વાત કરીએ તો રસ્તા ઉપર પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તા ઉપર કાદવ અને કચરાનો ભરમાર જોવા મળ્યો. નગરપાલિકા વહેલી તકે સાફ-સફાઈ કરે તેવી માંગ ઉઠી છે.
વલસાડ, એક ગર્ભવતી મહિલા વિલ- હનુમાન બગડા તેહ-વલસાડ જિલ્લા વલસાડ ખાતે તબીબી કટોકટીનો સામનો કરી રહી હતી અને હનુમાન બગડા અને વલસાડ વચ્ચે પાણીનો ભરાવો થયો હતો. NDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્કયૂ કરી મહિલાને હોસ્પિટલ પહોંચાડીને બચાવી લેવામાં આવી છે.