Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. જોકે ગઈકાલે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે કાઠી ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ પરસોતમ રૂપાલાને ટેકો જાહેર કરી કાઠી ક્ષત્રિય સમાજ સાથે છે તેવી જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતને લઈને કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડ્યા છે અને કાઠી ક્ષત્રિય સમાજના યુવાનોની અંદર રોષ ભભુકી ઉઠ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે હરભમજી ગરાસીયા બોર્ડિંગ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના સૌરાષ્ટ્રના રાજવી પરિવારના લોકોએ પત્રકાર પરિષદ યોજી અને કાઠી ક્ષત્રિય સમાજ ગરાસીયા દરબાર અને ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં હોવાની જાહેરાત કરી હતી. સાવરકુંડલા સ્ટેટ ના રાજવી પ્રતાપ ખુમાણે જણાવ્યું હતું કે ગઈકાલે જે પત્રકાર પરિષદ કરવામાં આવી તે સ્થળ ભાજપ કાર્યાલય હતું. કોઈ સમાજની વાડી નહોતી. જે આગેવાનો હતા તે ભાજપ સમર્પિત હતા. અમુક આગેવાનો દ્વારા આખા સમાજનો નિર્ણય લઈ ન શકાય. કાઢી ક્ષત્રિય સમાજ ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં છે. ગઈકાલે કાઠી સમાજના આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું કે સમાજ સાથે બેઠક કરી અને નિર્ણય જાહેર કર્યો છે પરંતુ સમાજ સાથે કોઈપણ જાતની બેઠક કે ચર્ચા કરવામાં આવી નથી અને અમે પણ અજાણ છીએ. કેટલાક દબાણોને કારણે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ જાહેરાત કરી હોવાનું માનીએ છીએ. 


બહાર વટિયા રામ વાળાના વંશજોનું ક્ષત્રિય સમાજને સમર્થન
બહાર વટિયા રામ વાળાના વંશજ ભરત વાળાએ જણાવ્યું હતું કે, કાઠી ક્ષત્રિય સમાજ લડાયક સમાજ છે કોઈ સામે નમતું જોખ્યું નથી. જે લોકોએ ભાજપને સમર્થન જાહેરાત કર્યું તે તેમનું પર્સનલ છે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા બહેનો અને દીકરીઓની લાજ બચાવવા આગળ રહ્યો છે. દેશના 562 રજવાડાઓમાંથી 300 થી 325 રજવાડા માત્ર ગુજરાત અને કાઠીયાવાડમાં હતા. 100 જેટલા રજવાડા માત્ર કાઠી દરબારોના હતા. કેટલાક ગણ્યા ગાઠ્યાં લોકો સમાજનો નિર્ણય ના લઈ શકે.


કાઠી ક્ષત્રિય સમાજના ક્યાં ક્યાં સ્ટેટ વિરોધમાં જોડાયા ?


  • - સાવરકુંડલા સ્ટેટના રાજવી પ્રતાપ ખુમાણ

  • - અડતાળા સ્ટેટના રાજવી જીતેન્દ્ર વાળા

  • - સનાળા સ્ટેટના રાજવી વીરેન્દ્ર વાળા

  • - સૂર્ય પ્રતાપ ગઢ સ્ટેટના રાજવી પ્રકાશ વાળા

  • - ચાપાપાદર સ્ટેટના રાજવી વાજસુર વાળા

  • - ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાચર

  • - ભયાવદર સ્ટેટના રાજવી કુલદીપ વાળા

  • - ડેડાણ (બાબરીયાવાડ)ના રાજવી પ્રતાપસિંહ કોટીલા

  • - આણંદપર સ્ટેટના સત્યેન્દ્રસિંહ ખાચર

  • - વાવડીના રામ વાળાના વંશજ ભરત વાળા


સ્ત્રી સન્માન દરેક જ્ઞાતિ માટે મહત્વનું : કાઠી રાજવીઓ
કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓએ એક સૂરમાં કહ્યું હતું કે, સ્ત્રીઓનું સન્માન દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે. પરસોતમ રૂપાલા દ્વારા સ્ત્રીઓનું અપમાન કરતી ટિપ્પણી કરવામાં આવી તેને કારણે ક્ષત્રિય સમાજની મહિલાઓનું સ્વમાન ઘવાયું છે. ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ આજે રોજ પૂર્ણ રીતે ઘરની બહાર નીકળી આંદોલન કરી રહી છે. સહનશક્તિની એક મર્યાદા હોય છે પરંતુ હવે દાવાનળ બની બહાર નીકળી રહ્યો છે. અત્યાર સુધી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ રહ્યો છે. પરસોતમ રૂપાલાને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને વિરોધ કરી રહ્યો છે. પરસોતમ રૂપાલાની ટીકીટ રદ્દ નહિ કરવામાં આવે તો ભાજપ સાથે રહેવું કે નહીં તે સમાજ નક્કી કરશે.