એસટીની મહત્વનો નિર્ણય, સોમવારથી ગામડામાં જતી બસો દોડશે
કોરોનાકાળમાં અટકી પડેલી મુસાફરીને વેગ આપવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવે ગામડામાં જતી એસટી બસોનું સંચાલન શરૂ કરવાનું નક્કી કરાયું છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાકાળમાં અટકી પડેલી મુસાફરીને વેગ આપવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવે ગામડામાં જતી એસટી બસોનું સંચાલન શરૂ કરવાનું નક્કી કરાયું છે. એસટી વિભાગ દ્વારા જાહેરાત કરાઈ કે, સોમવારથી ગામડામાં જતી એસટી બસનું સંચાલન ચાલુ કરશે. ગામડામાં જતી બસના કંડક્ટરને થર્મલ ગન અપાશે. બસમાં પ્રવાસી બેસે તે પહેલાં જ થર્મલ ગનથી સ્કેન કરાશે.
કોરોના મહામારીમાં સૌથી મોટી અસર એસટી બસોને પડી હતી. પરંતુ જેમ જેમ પરિસ્થિતિ થાળે પડી રહી છે તેમ તેમ એસટી બસો દ્વારા મુસાફરોને તકલીફ ન પડે તે માટે વિવિધ સુવિધાઓ રાબેતામુજબ શરૂ કરવામાં આવી રહી છે. ધીરે ધીરે એસટી બસોનું ટ્રાન્સપોર્ટેશન નિયમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવામાં ગામડામાં રહેતા મુસાફરોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કરાયો છે.
સરકારી ભરતી અંગે ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એસટી દ્વારા પ્રીમિયમ બસ સુવિધા શરૂ કરાઈ હતી. જે અંતર્ગત અનેક રુટની પ્રીમિયમ બસ સર્વિસ શરૂ કરાઈ હતી. તો સાથે જ હવે અમદાવાદથી આવતીજતી બસોનું સંચાલન પણ નિયમિત થઈ ગયું છે. મુસાફરોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં રાખીને બસ દોડાવવામાં આવી રહી છે. તો સાથે જ તમામ બસોને મુસાફરી બાદ સેનેટાઈઝ કરવામાં આવે છે. આ ઉપરાંત હાઈવે પર મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવે છે. જેથી કોરોનાકાળમાં તકેદારીના શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.