ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે કોંગ્રેસ એક ચોક્કસ પ્રકારની ડિઝાઈન સાથે ગુજરાત વિરોધી ષડયંત્ર સાથે ચાલી રહી છે. કોંગ્રેસની દરેક પ્રવૃતિઓમાં રહેલ વિકૃતિઓને ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસ દ્વારા કોઈને કોઈ વર્ગને ઉશ્કેરીને વાદવિવાદ ફેલાવવો. કોઈ જ્ઞાતિ કે સમાજને વારા ફરથી ઉશ્કેરીને વેરઝેર ઊભું કરવું. કોઈને કોઈ ઘટનાને રાજકીય ઘટનામાં ફેરવીને હિંસા દ્વારા અશાંતિ ફેલાવવી. આ બધાં જ ઘટનાક્રમો જોઈને ગુજરાતની જનતા માને છે કે, કોંગ્રેસ વાદ, વિવાદ, વેરઝેરની “આયોજક” છે, કોંગ્રેસ જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ અને આતંકવાદની “સમર્થક” છે. ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં હમેશાં કોંગ્રેસ “અવરોધક” છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની પ્રેમ અને એકતા તેમજ શાંતિ, અસ્મિતા અને અહિંસાની ઓળખને બદનામ કરવા કોંગ્રેસની ભૂમિકા “ઘાતક” છે. પરંતુ ગુજરાતની જનતા તેનાં કોઈપણ બદઈરાદાઓને ફાવવાં દેશે નહિં. ભાજપ સરકાર ગુજરાતમાં રહેતા તમામ લોકોને સુરક્ષા આપવા કટીબદ્ધ છે. અશાંતિ ફેલાવનારની સામે કાયદો કાયદાનું કામ કરશે. ગુજરાતની જનતા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો, હિંસાત્મક આંદોલનનાં ષડયંત્રો સારી રીતે જાણી ચુકી છે. કોંગ્રેસ ખુલ્લી પડી છે તેથી ચારેબાજુથી જનતાનો કોંગ્રેસ સામે ફીટકાર થઈ રહ્યો છે અને એટલે કોંગ્રેસના નેતાઓ ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે. 


ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, એકબાજુ નરેન્દ્ર મોદીની સરકાર સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિની ઉજવણી કરીને તેમના વિચારોનો વિસ્તાર થાય તેવા કાર્યક્રમો કરી રહી છે જયારે બીજી બાજૂ કોંગ્રેસ ગાંધીજીના ગુજરાતમાં હિંસા દ્વારા અશાંતિ અને અરાજકતા ફેલાવવા માંગે છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે. નરસિંહ મહેતા રચિત અને ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહિએ..” સમગ્ર દેશ-દુનિયામાં ગવાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ બીજા રાજ્યોની ચુંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના આંદોલનો, હિંસા દ્વારા ગુજરાતની જનતાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.



તેમણે જણાવ્યું હતું કે, ડોમિસાઈલ પ્રમાણપત્ર એ ગુજરાતમાં રહેતાં યુવાનોના એડમિશન અંગેનો ટેકનીકલ મુદ્દો છે. કોઈપણ જ્ઞાતિ, સમાજ કે અન્ય રાજ્યોનાં યુવાનો હોય કે જે ગુજરાતમાં રહેતો હોય તેને અન્યાય ન થાય તે માટે એડમિશનમાં ડોમિસાઈલ સર્ટીફિકેટની જોગવાઈ હોય છે. જે દરેક રાજ્યોમાં હોય છે. ડોમિસાઈલ અંગે વિધાનસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું હતું અને હાઈકોર્ટે આની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.


ડોમિસાઈલ અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું છે કે, કોગ્રેસે ગુજરાતના યુવાનોની વિરૂદ્ધમાં માનસિકતા પ્રગટ કરી છે. શું કોંગ્રેસ ઈચ્છે છે કે, ગુજરાતમાં રહેતાં યુવાનોને એડમીશનમાં ન્યાય ન મળે ? શું કોંગ્રેસ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વિશ્વાસ નથી ધરાવતી એટલે તેના વિરૂદ્ધમાં નિવેદનો આપે છે ?  


કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો નાટકીય કાર્યક્રમો કરીને મગરના આંસુ સારી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકારે તા.1લી મે ના રોજ દેશનું સૌથી મોટું અને લાંબુ ‘જળસંગ્રહ’ અભિયાન હાથ ધર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખેડૂતોનાં હિત માટે સહેજ પણ લાગણી હોત તો નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે ન કર્યું હોત અને ‘જળસમાધિ’ કાર્યક્રમને બદલે ‘જળસંગ્રહ’ના કાર્યક્રમમાં જોડાયાં હોત. કોંગ્રેસે કપડાં પહેરાવવાના કાર્યક્રમો કરવા જોઈએ.


અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે મા નવદુર્ગાને પ્રાર્થના સાથે દરેક ભાઈ-બહેનને નવરાત્રીની હ્યદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ગુજરાતની અસ્મિતા, શાંતિ, પ્રેમ, એકતા, અહિંસા, વિકાસની ઓળખને કોઈની નજર ન લાગે તે માટે “માં અંબા” ને પ્રાર્થના કરૂં છું અને સાથે સાથે શુભ વિચારો ફેલાવનારને “માં” શક્તિ આપે અને વેરઝેર, અશાંતિ, અરાજકતા ફેલાવનારને “માં” સદ્દબુદ્ધિ આપે.