વડોદરા: શહેરના ઉદ્યોગપતિ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાની મોડી સાંજે દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી છે. રૂ. 5000 કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા ધરપકડ અને અદાલતી કાર્યવાહીથી બચવા કેટલાંક સમયથી દેશ છોડીને જતાં રહ્યા હતા. ભારતીય અદાલતે તેમની સામે જારી કરેલ બિનજામીનપાત્ર વોરંટના આધારે બુધવારે મોડી સાંજે દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજ્ઞાતવાસમાં રહેલા સાંડેસરાને દબોચી લેવામાં આવ્યા
ભાગેડુ કૌભાંડી સાંડેસરાની ગતિવિધિ તેમજ તેમના દ્વારા થતાં ફોન કોલ્સ, મેસેજીસ પર બાજનજર રાખી રહેલી તપાસ સંસ્થા સીબીઆઈના અધિકારીઓને સાંડેસરા દુબઈમાં હોવાની માહિતી બે દિવસથી સાંપડી હતી. આથી સીબીઆઈ દ્વારા સત્તાવાર રીતે દુબઈના સમકક્ષ ઓથોરિટીને માહિતગાર કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ મુજબ બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યા બાદ અજ્ઞાતવાસમાં રહેલા સાંડેસરાને દબોચી લેવામાં આવ્યા હતા.


ધરપકડ ટાળવા માટે નીતિન સાંડેસરા વિદેશ નાસી જવામાં સફળ થયા હતા
અગાઉ આંધ્ર બેન્ક પાસેથી સ્ટર્લિંગ બાયોટક દ્વારા અલગ અલગ તબક્કે વિભિન્ન કારણોસર રૂ. 5000 કરોડ જેટલી મોટી રકમની લોન મેળવવામાં આવી હતી. બાદમાં લોન સામે ગિરો મૂકાયેલ એસેટની કિંમત લોનની કિંમત કરતાં દસમા ભાગની હોવાનું માલુમ પડ્યું હતું. આ કેસમાં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ગગન ધવન, આંધ્ર બેન્કના પૂર્વ નિયામક અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ પોતાની ધરપકડ ટાળવા માટે નીતિન સાંડેસરા વિદેશ નાસી જવામાં સફળ થયા હતા. બુધવારે મોડી સાંજે તેમની ધરપકડ થતાં આ કેસમાં સીબીઆઈને મોટી સફળતા મળી છે.


ઇ.ડી એ 4701 કરોડની મિલકત જપ્ત કરી હતી
વડોદરાના સાંડેસરા ગ્રુપે 5000 કરોડનું કૌભાંડ કર્યુ હતું. ત્યારે અઢી મહિના પહેલા જ ઇ.ડી એ 4701 કરોડની મિલકત જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. સાંડેસરા ગ્રુપના ચેતન સાંડેસર અને નીતિન સાંડેસર સામે બિન  જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું અટલાદરા વિસ્તારમાં તેમની કોર્પોરેટ ઓફિસમાં તેઓ જીલેટીન પાવડર અને ફાર્મસીની દવાઓ બનાવવાનું કામ કરે છે. ઈ.ડી એ સાંડેસરા ગ્રુપ ઉપર કાર્યવાહી કરતા 5000 કરોડનું કૌભાંડ પકડી પાડ્યું હતું અને સાંડેસરા ગ્રુપની 4701 કરોડની સ્થાવર તેમજ જંગમ મિલ્કતો સાથે કેટલીયે મોંઘી ગાડીઓ જપ્ત કરી હતી. 


જોકે ઈ.ડી ચેતન અને નીતિન સાંડેસરાની ધરપકડ કરે તે પહેલા જ બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે બંને સામે બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરાયું હતું, આ સાથે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી. તેમજ તેમણે વિદેશમાં 300 જેટલી સેલ કંપનીઓ બનાવી હતી અને તેમાં સાંડેસરા ગ્રુપના કર્મચારીઓને જ બતાવવામાં આવ્યા હતાં.  


ઈ.ડી એ ગુજરાત સાથે મુંબઈની સાંડેસરા ગ્રુપની સંપત્તિઓ જપ્ત કરી હતી
ઈ.ડી એ ગુજરાત સાથે મુંબઈની સાંડેસરા ગ્રુપની સંપત્તિઓ જપ્ત કરી હતી મુંબઈના જોગેશ્વરી ખાતેના ફ્લેટમાંથી ઈ.ડીને અનેક વાંધાજનક દસ્તાવેજ, સિક્કા, અને અનેક બેંકોની ચેકબુકો મળી આવી હતી. સાંડેસરા ગ્રુપે અનેક લોનો લીધી હતી તેમાંથી બંગલા ફ્લેટ અને બેનામી સંપત્તિ ખરીદી હતી. સાંડેસરા ગ્રુપના મોરેશિયસ, બ્રિટન, વર્જિન, આયર્લેન્ડ,અમેરિકા અને દુબઇ જેવા દેશોમાં નાણા મોકલ્યા હતા.