મહિલા સન્માનની માત્ર વાતો, સરકાર પર આરોપ લગાવી કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સેવાદળના કાર્યક્રમમાં મહિલાઓની અટકાયત કરવાના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે.
ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતા પોલીસ દ્વારા તમેને અટકાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન પોલીસ અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ પ્રગતિ આહિર સહિત મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. હવે આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સેવાદળના કાર્યક્રમમાં મહિલાઓની અટકાયત કરવાના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, સેવાદળની મહિલાઓ પર પુરૂષ પોલીસ અધિકારીઓએ હાથ ઉપાડ્યો છે. આજે મહિલા દિવસ છે, મહિલા સન્માનની વાત છે. મંજૂરી લઈને યોજાયેલા કાર્યક્રમમાં બર્બરતા કેમ કરવામાં આવી તેનો જવાબ ગૃહ રાજ્યમંત્રીએ આપવો જોઈએ.
કોંગ્રેસે વોકઆઉટ કર્યું
ગુજરાત વિધાનસભામાં સેવાદળની મહિલાઓની અટકાયતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. વિધાનસભામાંથી બહાર આવીને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગૃહરાજ્ય મંત્રીની નજર હેઠળ કાર્યવાહી થઈ છે. શાંતિપૂર્વક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે મહિલા કાર્યકરોને માર મારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મહિલાઓ પ્રત્યે લાગણી હોય તો આ કૃત્ય કરનાર પોલીસને તાત્કાલીક સસ્પેન્ડ કરવા જોઈએ.
રાજીનામું આપે ગૃહ રાજ્યમંત્રી
કોંગ્રેસે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે માત્ર મહિલા સન્માનની વાતો થાય છે પરંતુ મહિલાઓ સુરક્ષિત નથી. પોલીસની મંજૂરી સાથે યોજવામાં આવેલા કાર્યક્રમમાં અત્યાચાર કરવામાં આવ્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ માફી માંગી નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ. આ અંગે હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમિત ચાવડાના આરોપ 100 ટકા સાચા નથી. મહિલાઓની અટકાયત કરવામાં આવી છે પણ માર મારવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube