બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં પાલિકાનાં પાપે 100 ફુટ રોડ પર આવેલા આવકાર સોસાયટી અને આસપાસની સોસાયટીઓમાં રખડતા શ્વાને આતંક મચાવી માત્ર બે કલાકમાં ત્રણ જણાને કરડતા તેઓને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત માસમાં ત્રણ હજારથી વધુ લોકોને કુતરા કરડ્યા
આણંદ શહેરમાં માર્ગો પર રખડતા શ્વાનોનો આંતક જોવા મળી રહ્યો છે. છેલ્લા સાત માસમાં ત્રણ હજારથી વધુ લોકોને કુતરાઓ કરડવાનાં બનાવો બન્યા છે. ત્યારે ગત રાત્રીનાં સુમારે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યાનાં માત્ર બે કલાકમાં સો ફુટ રોડ, આવકાર સોસાયટી અને ફાતેમાં મસ્જીદ વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સહીત ત્રણને રખડતાં શ્વાન કરડવાનાં બનાવો બન્યા છે. 


પાંચ વર્ષની બાળકીને શ્વાને બચકા ભર્યા
આણંદ શહેરમાં સો ફુટ રોડ પર આવેલી આવકાર સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની રૂદા એજાજ ભાઈ વ્હોરા પોતાનાં ધરની બહાર રમી રહી હતી, ત્યારે રખડતા શ્વાને બાળકી પર હુમલો કરી તેણીને બચકા ભરી લેતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ બાળકીને ત્વરીત સારવાર માટે જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જયારે રાત્રીનાં 8 થી 10 વાગ્યાનાં સમય દરમિયાન સો ફુટ રોડ પર આઠ વર્ષનાં અજહર અનીસભાઈ વ્હોરા અને ફાતીમા મસ્જીદ પાસે મુસેફ મકબુલલ વ્હોરા નામનાં 16 વર્ષનાં કિશોરને પણ રખડતા શ્વાન કરડતા તેઓને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 


પાલિકાએ હાથ અધ્ધર કર્યા
આણંદ નગરપાલિકાનાં વોર્ડ નં.3નાં કાઉન્સિલર ઈલ્યાસ આઝાદએ આજથી ત્રણ માસ પૂર્વે પાલિકાનાં ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી હતી કે આ વિસ્તારમાં રખડતા શ્વાન લોકોને બચકા ભરી ધાયલ કરી રહ્યા છે,ત્યારે રખડતા શ્વાન પકડવામાં આવે અને ખસીકરણ કરવામાં આવે, તેમ છતાં પાલિકા દ્વારા રખડતા શ્વાન પકડવાની કોઈ વ્યવસ્થા નથી તેમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા અને જેનાં કારણે આજે પાંચ વર્ષની બાળકી સહીત ત્રણને રખડતા શ્વાને બચકા ભરી ધાયલ કરી હતી ત્યારે પાલિકા માર્ગો પરથી રખડતા શ્વાન દુર કરવાની કાર્યવાહી કયારે કરે છે, તે જોવું રહ્યું.