સુરતઃ રખડતા કુતરાઓના ત્રાસની અવારનવાર ઘટનાઓ જોવા મળતી હોય છે. રવિવારે સુરતમાં એક 9 વર્ષના બાળકને રખડતા કુતરાએ 35 બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. કુતરાએ બાળકને લોહીલુહાણ કરી નાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં શહેરના ભરીમાતા વિસ્તારમાં એક 9 વર્ષનો બાળક રવિવારની રજાના દિવસે ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ એક રખડતું કુતરું દોડતું આવીને તેના પર તુટી પડ્યું હતું. બાળક કંઈ સમજે એ પહેલાં જ કુતરાએ બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું અને જોત-જોતામાં બાળકના બંને પગમાં 35થી વધુ બચકાં ભરી લીધાં હતાં. 


અહીંથી પસાર થતી એક સ્થાનિક મહિલાએ આ જોતાં કુતરાને મારીને ભગાડ્યું હતું અને બાળકના માતા-પિતાને બોલાવ્યા હતા. બાળકના સમગ્ર શરીરમાંથી લોહી વહેંતુ જોઈને માતા-પિતા પણ ડરી ગયાં હતાં. 


લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. કુતરાએ બાળકના પગમાં બચકાં ભરીને માંસ બહાર ખેંચી કાઢ્યું હતું. હોસ્પિટલનાં તબીબોએ બાળકનું ડ્રેસિંગ કર્યું હતું અને તેને હડકવાની રસી આપી હતી.


આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. રખડતાં કુતરાં કાબુ બહાર હોવા અંગે લોકો ટીકા કરતા હતા. તંત્ર દ્વારા રખડતાં કુતરા મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે એવી માગણી પણ તેમણે કરી હતી.