હડતાળનો સુખદ અંત! એક મહિનામાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે: વાઘાણી
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે. એક મહિના માટે આરોગ્ય કર્મચારીઓની હડતાળ મોકૂફ રખાઈ છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે.
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે. એક મહિના માટે આરોગ્ય કર્મચારીઓની હડતાળ મોકૂફ રખાઈ છે. આજે આરોગ્ય કર્મચારી મંડળ અને આરોગ્ય વિભાગ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની માગણી સ્વીકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 23 દિવસથી પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારી હડતાળ પર હતા અને એક મહિનામાં પ્રશ્નો ઉકેલવાની સરકારે ખાતરી આપી છે.
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરાઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહાનુભૂતિપૂર્વક પંચાયતના કર્મીઓ દ્વારા જે માગણીઓ આવી છે તેનો આગામી એક માસમાં રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.
આરોગ્ય મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આશા વર્કર બહેનોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છીએ. બહેનો હંમેશા લોકો માટે કામ કરતી રહી છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામા બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બહેનોની 100 એ 100 % લાગણીઓ હતી તે પ્રશ્નો ઉકેલવા તૈયારી બતાવી છે. તેમના તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે.
જો કે આ અંગે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી આશીષ બ્રહ્મભટ્ટનું મોટુ નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 1 મહિનામાં ઉકેલ નહીં આવે તો ફરી આંદોલનની ચીમકી આપી હતી. અત્યારે હડતાળનો અંત નથી ફક્ત મોકૂફ રાખી છે.
આંદોલનકારી ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હસ્તકના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે. તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા સરકારે ખાતરી આપી છે. પગાર અને કામના કલાકો અંગે પણ સકારાત્મક વાત થઈ છે. બહેનોને વર્ગ 4 માં સમાવી ઇન્સેન્ટિવ પ્રથા બંધ થાય તેવી આશા છે.
મહત્વનું છે કે, આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંધવી, બ્રિજેશ મેરજા, નિમિષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલ ફળદાયી બેઠકમાં તેઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા આ નિર્ણય કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube